- રાજસ્થાનના સવાઇ માધોપુરમાં ગમખ્વાર અકસ્માત
- અજાણ્યા વાહનની અડફેટે કારમાં સવાર 6ના મોત
- પરિવાર ગણપતિ મંદિરે જઇ રહ્યો હતો દર્શન કરવા
અકસ્માતોની સંખ્યા દિવસ જાય તેમ વધી રહી છે. ક્યાંક ઓવર સ્પીડ તો ક્યાંક ઓવર ટેક કરવાના ચક્કરમાં અકસ્માત થતા હોવાનું સામે આવે છે. ત્યારે રાજસ્થાનમાં આજે ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના સવાઇ માધોપુરમાં અજાણ્યા વાહનની ટક્કરથી કારમાં સવાર 6 લોકોના મોત થયા છે જ્યારે બે બાળકો ઘાયલ થયા છે.
ગણેશજીના દર્શને જઇ રહ્યો હતો પરિવાર
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બનાસ પુલિયા પાસે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ સીકર જિલ્લાના ખંડેલાના રહેવાસી હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હતા. આ લોકો સીકરથી સવાઈ માધોપુરના રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહ્યા હતા.
એક્સપ્રેસ વે પર થયો અકસ્માત
અકસ્માતની માહિતી મળતાં જ બૌનલી પોલીસ સ્ટેશન અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અકસ્માતમાં ઘાયલ બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડીને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લઇ જવાયા હતા. આ અંગે અધિક પોલીસ અધિક્ષક દિનેશ યાદવે જણાવ્યું કે બૌનલી પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક્સપ્રેસ વે પર અકસ્માત થયો છે. આ પછી, પોલીસ ફોર્સ ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી.
કારના કૂરચે કૂરચા ઉડી ગયા
પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત અજાણ્યા વાહનની ટક્કરથી થયો હોવાનું કહેવાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હતું. કારમાંથી મૃતદેહો ભાગ્યે જ બહાર કાઢી શકાયા. અકસ્માતમાં ઘાયલ છ વર્ષની દિપાલી અને 10 વર્ષીય મનન શર્માને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, બૌનલીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જયપુર રિફર કરવામાં આવ્યા હતા.
ઘટના અંગે પોલીસે શું કહ્યું?
પોલીસનું કહેવું છે કે તમામ મૃતકો એક જ પરિવારના છે. તેઓ સીકરના ખંડેલાથી સવાઈ માધોપુરના રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. અનિતા પત્ની મનીષ શર્મા, સંતોષ પત્ની કૈલાશ શર્મા, કૈલાશ પુત્ર રામ અવતાર શર્મા, પૂનમ પત્ની સતીશ શર્મા, મનીષ પુત્ર રામાવતાર શર્મા અને સતીશ શર્માનો સમાવેશ થાય છે. એડિશનલ એસપી દિનેશ કુમાર યાદવે કહ્યું કે પોલીસે પરિવારને આ મામલાની જાણ કરી દીધી છે.