યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગાબાર્ડ દિલ્હી પહોંચ્યા છે. તેમણે સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. તુલસી ગાબાર્ડ સાથેની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો અને આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.


પન્નુ સામે કાર્યવાહી કરવા અપીલ

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તુલસી ગાબાર્ડ સાથેની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રીએ ગુરપતવંત સિંહ પન્નુના નેતૃત્વ હેઠળના SFJ પર ભારતની ચિંતા વ્યક્ત કરી અને અમેરિકાને આ સંગઠન સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. ભારત દેશમાં પ્રતિબંધિત SFJ સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહી માટે સતત દબાણ કરી રહ્યું છે. પરંતુ આ આતંકવાદી સંગઠન હજુ પણ વિદેશમાં સક્રિય છે.

પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્ક સાથે SFJના સંબંધો

આ પગલું ખાલિસ્તાની ઉગ્રવાદનો સામનો કરવા અને આતંકવાદી ભંડોળનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગ મેળવવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્ક સાથે SFJના સંબંધો વિશે વાત કરી અને ગબાર્ડને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં સંગઠનની ભૂમિકા વિશે માહિતી આપી. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે યુએસ પ્રોસિક્યુટર્સે ગયા વર્ષે નવેમ્બરમાં પન્નુની હત્યાના કાવતરામાં કથિત સંડોવણી માટે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા અને અન્ય એક કથિત ભારતીય સરકારી અધિકારી પર આરોપ મૂક્યો હતો.

ભારતે પન્નુની હત્યાના કથિત પ્રયાસમાં કોઈપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. પન્નુ યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે અને આતંકવાદના આરોપોમાં ભારતમાં વોન્ટેડ ગુનેગાર છે. તેને કડક આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો હેતુ

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં રાજનાથ સિંહે કહ્યું કે તેઓ ગાબાર્ડને મળીને ખુશ છે અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે નવી દિલ્હીમાં યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડને મળીને તેમને આનંદ થયો છે. અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના હેતુથી સંરક્ષણ અને માહિતીની આપ-લે સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.

  • Follow us on: