લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. તેમણે આ પ્રવાસ દરમિયાન ભાજપ, આરએસએસ તથા શીખ સમુદાય અને અનામત પર કરેલી ટિપ્પણીઓને રાજનાથ સિંહે ભ્રામક અને શરમજનક ગણાવી છે. આ અંગે રક્ષામંત્રી રાજનાથે સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે લાગી રહ્યુ છે કે કોંગ્રેસના નેતાઓ હોબત્તની દુકાન ચલાવતા ચલાવતા જુઠ્ઠાણાની દુકાન ખોલી દીધી છે.
ભારતની ગરિમાને ઠેસ પહોંચાડે છે- રાજનાથ સિંહ
રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયાપ પર લખ્યું વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જે પ્રકારની ભ્રામક, પાયાવિહોણી અને તથ્યહીન વાતો કહી રહ્યા છે તે અત્યંત શરમજનક છે અને ભારતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેમણે કહ્યું છે કે ભારતમાં શીખ સમુદાયને ગુરુદ્વારાઓમાં પાઘડી પહેરવાની મંજૂરી નથી, તેમને તેમના ધર્મ અનુસાર વર્તન કરવાથી રોકવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે પાયાવિહોણું અને સત્યથી દૂર છે.
રાહુલ ગાંધીના દાવા પાયાવિહોણા- રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે સમગ્ર દેશ ભારતની સંસ્કૃતિના રક્ષણમાં શીખ સમુદાય દ્વારા ભજવવામાં આવેલી મહાન ભૂમિકાને ઓળખે છે અને તેનું સન્માન કરે છે. તેમના વિશે આવા ખોટા નિવેદનો કરવા વિપક્ષી નેતા માટે અયોગ્ય છે તેમ જણાવ્યું. તેમણે રાહુલ ગાંધીના દાવાની પણ ટીકા કરી કે એનડીએ સરકાર અનામત ખતમ કરવા માંગે છે અને કહ્યું કે આ દાવાઓ પાયાવિહોણા છે. રાજનાથ સિંહે કહ્યું રાહુલજીનો દાવો છે કે NDA સરકાર અનામત ખતમ કરવા માંગે છે તે પણ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આપણા વડાપ્રધાને દલિતોના કલ્યાણ અને વિકાસ માટે અનામત વ્યવસ્થાને મજબૂત કરી છે.
ભારત કરતા વધુ સુરક્ષિત કોઇ સ્થાન નહી- કિરણ રિજિજૂ
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પણ રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું કે વિદેશમાં ભારતને બદનામ કરવું યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ પરિસ્થિતિ તંગ હોય છે ત્યારે તમામ પડોશી દેશોમાંથી લઘુમતીઓ ભારતમાં આવે છે. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે વિશ્વમાં ભારતથી વધુ સુરક્ષિત કોઈ સ્થાન નથી.