• ચક્રવાતી તોફાન રેમલને લઇને એલર્ટ
  • હવામાન વિભાગે કરી આગાહી 
  • પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલુ દબાણનું ક્ષેત્ર સઘન બનીને ભીષણ ચક્રવાતનું રૂપ લઇ શકે છે. હાલ આ ચક્રવાતને લઇને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઇને જાણકારી આપી છે કે આ ચક્રવાત ક્યાં અને ક્યારે ટકરાશે.

ક્યારે ટકરાશે ચક્રવાત ?

આ તીવ્ર ચક્રવાતી તોફાન 26મી મેની મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારાના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ ચક્રવાતી તોફાનની અસરને કારણે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એટલે કે ચક્રવાતી તોફાન 26મેના રોજ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે જમીન પર ટકરાશે તેવુ હવામાન વિભાગનું અનુમાન છે.

પશ્ચિમ બંગાળમાં જામશે વરસાદી માહોલ

હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના કૈનિંગથી લગભગ 810 કિલોમીટર દક્ષિણમાં મધ્ય બંગાળની ખાડી પર બનેલું દબાણનું ક્ષેત્ર 25 મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. IMD અનુસાર ઉત્તર દિશામાં આગળ વધતી વખતે આ દબાણ ક્ષેત્ર વધુ તીવ્ર બનશે અને 25મી મેની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. જેથી પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


અહીં ભારે પવન અને વરસાદની આગાહી

હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે આ દિવસો દરમિયાન દક્ષિણ 24 પરગણામાં 90 થી 100 કિમી પ્રતિ કલાક અને પૂર્વ મેદિનીપુરમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. . જ્યારે કોલકાતા, ઉત્તર 24 પરગણા અને હાવડામાં પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે માછીમારોને 27મી મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતની અસરને કારણે 25 મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

ઓડિશામાં પણ વરસાદની સંભાવના

હવામાન વિભાગ અનુસાર 26 મેના રોજ બાલાસોરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભદ્રક અને કેન્દ્રપરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. હવામાનશાસ્ત્રી ઉમાશંકર દાસે કહ્યું કે ઓડિશાના જે જિલ્લાઓમાં 26 મેના રોજ વરસાદની સંભાવના છે તેમાં બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપારાનો સમાવેશ થાય છે, જ્યારે 27 મેના રોજ બાલાસોર, ભદ્રક અને મયુરભંજમાં વરસાદ પડી શકે છે.


  • Follow us on: