- ગળ્યું ખાવાનું મન હોય તો બનાવો તિરંગી કોપરાપાક
- નાસ્તા માટે પ્લાન કરી લો 3 કલરની સેવ
- લંચ કે ડિનરમાં બેસ્ટ રહેશે તિરંગી પરોઠા
26 જાન્યુઆરીનો તહેવાર નજીકમાં છે ત્યારે ભારતીય ગણતંત્ર દિવસે સંવિધાનની યાદ અપાવે છે. આ દિવસને દેશમાં મોટા ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહની સાથે ઉજવાય છે. આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે અને લોકો પોતાના પરિવારની સાથે સમય વીતાવે છે. આ અવસરને યાદગાર બનાવવાની અનેક રીતો છે. જો તમે આ દિવસે તિરંગાને ધ્યાનમાં રાખીને ભોજનમાં પણ તિરંગી વાનગીઓ બનાવશો તો તમારી થાળી ખાસ બની રહેશે અને તમને એક અલગ સ્વાદ મળશે. તો નોંધી લો ખાસ રેસિપિ.
તિરંગી કોપરાપાક
સામગ્રી
-250 ગ્રામ નાળિયેરનું ખમણ
-2 ટેબલ સ્પૂન ઘી
-450 ગ્રામ ખાંડ
-2 ટેબલ સ્પૂન દૂધ
-250 ગ્રામ માવો
-બદામ
-ચારોળી
-એલચી
-જાયફળ
-કેસર
-લીલો રંગ
રીત
સૌપ્રથમ નાળિયેરને ખમણીથી ખમણી તેનું ખમણ કરવું. તેને ઘીમાં સાધારણ સાંતળવું. વધારે સાંતળવું નહિ. એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. પછી દૂધ-પાણી નાંખી મેલ કાઢવો. ચાસણી એકતારી થાય એટલે તેને ત્રણ વાસણમાં સરખે ભાગે કાઢી લેવી. એક ભાગમાં કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. કેસરને બદલે કેસરી મીઠો રંગ લઈ શકાય. બીજા ભાગમાં થોડોક લીલો મીઠો રંગ નાંખવો અને ત્રીજો ભાગ સફેદ રાખવો. પછી ખમણ અને માવાને ભેગાં કરી, તેને ત્રણ સરખા ભાગે, ત્રણેક વાસણમાં રાખવા. દરેક મિશ્રણને તાપ ઉપર મૂકી થોડું કઠણ કરવું. તેમાં એલચી-જાયફળનો ભૂકો નાંખવો. ઠરી જાય તેવું થાય એટલે થાળીમાં ઘી લગાડી તેમાં સૌપ્રથમ લીલા રંગનું મિશ્રણ પાથરવું. તેના પર સફેદ ટોપરાપાક પાથરવો. અને સૌથી ઉપર કેસરવાળો ભાગ રાખવો. હવે તેના પર બદામ અને ચારોળી ભભરાવી દેવી. આ ટોપરાપાકને થરવા દેવો. ત્યાર બાદ તેના કટકા કરવા. તૈયાર છે સ્વાદિષ્ટ ત્રિરંગી ટોપરાપાક. આ સિવાય તમે 3 અલગ કલરના મિશ્રણના ગોળા વાળીને તેને થાળીમાં તિરંગાના કલરમાં સજાવીને પીરસી શકો છો.
તિરંગી પરોઠા
સામગ્રી
-200 ગ્રામ મેંદો
-100 ગ્રામ ઘઉંનો લોટ
-2 બટાકા (બાફી, માવો કરીને)
-1 ટેબલ સ્પૂન પનીર
-1 ટેબલ સ્પૂન બાફેલા બીટનો પલ્પ
-1 ટેબલ સ્પૂન કોથમીર
-મીઠું સ્વાદાનુસાર
-મરચાં-આદુંની પેસ્ટ
-ઘી
-મરચું પાવડર
-મરી પાવડર
-ચોખાનો લોટ
-લીંબુનો રસ
રીત
સૌપ્રથમ મેંદો અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં મીઠું નાંખી ચાળી લેવો.તેમાં ઘીનું મોણ નાંખી ત્રણ ભાગ કરવા. એક ભાગમાં બીટનો પલ્પ અને થોડું લાલ મરચું નાંખી લોટ બાંધવો. બીજા ભાગમાં બટાકાનો માવો, મરીનો ભૂકો, પનીર, મીઠું અને લીંબુનો રસ નાંખી લોટ બાંધવો. ત્રીજા ભાગમાં લીલા ધાણા-આદું મરચાંની પેસ્ટથી લોટ બાંધવો.લાલ કલરનો લૂઓ લઈ, દાબી તેના ઉપર થોડું ઘી અને ચોખાનો લોટ ભભરાવી બટાકાવાળો સફેદ લૂઓ મૂકવો.તેને દબાવી ઘી લગાડી, ચોખનો લોટ ભભરાવી લીલા કલરનો લૂઓ મૂકવો. આવી રીતે પહેલાં લાલ પછી સફેદ અને ઉપર લીલા કલરનો લૂઓ આવશે. પછી તેના પરોઠા વણી તવા ઉપર ઘી મૂકી શેકી લેવા. પરોઠાના ચાર ત્રિકોણ કટકા કરવા. આથી તેના ત્રણ કલર દેખાશે. ગરમા-ગરમ પરાઠાને દહીંની ચટણી સાથે પીરસવા.
તિરંગી સેવ
સામગ્રી
-500 ગ્રામ ચણાનો લોટ
-1 કપ પાલકની પેસ્ટ
-1 કપ ટામેટાની પ્યુરી
-અજમો
-જીરૂં
-મીઠું
-મરચાંની પેસ્ટ
-લાલ મરચું
-તેલ જરૂર મુજબ
-હિંગ
-હળદર
રીત
સૌપ્રથમ ચણાના લોટના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં હિંગ, હળદર તથા મીઠું નાંખી સેવનો લોટ બાંધવો. બીજા ભાગમાં ટોમેટો પ્યુરી, અજમો, લાલ મરચું તથા મીઠું નાંખી સેવનો લોટ બાંધવો. ત્રીજા ભાગમાં પાલક પ્યુરી, વાટેલાં આદું-મરચાં તથા જીરૂં અને મીઠું નાંખી સેવનો લોટ બાંધવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે બધા લોટમાં 2 ટેલબસ્પૂન તેલ નાંખી બરાબર મિકસ કરવું. હવે સેવના સંચામાં લોટ ભરી વારાફરતી બધા કલરની સેવ તળી લેવી. હવે ચાહો તો બધી સેવ મિક્સ કરી લો અથવા અલગ અલગ રાખી પીરસતી વખતે કે નાસ્તામાં આપતી વખતે ડિશમાં ત્રણ કલરના રાઉન્ડ કરીને પણ તમે સર્વ કરી શકો છો.