સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ન્યાયાધીશો પણ ભૂલ કરી શકે છે અને કોર્ટે તેને સ્વીકારવામાં અચકાવું જોઈએ નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે, જો કોઈ કેસ બંધ હોય અને તેમાં ભૂલો હોય તો પણ તેને સુધારી શકાય છે. ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને તેના અધિકારીઓને વચગાળાનું રક્ષણ આપ્યાના એક વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, તેના આદેશમાં કેટલીક ભૂલો હતી. આ આદેશમાં કોર્ટે ઈન્ડિયા બુલ્સ વિરુદ્ધ લોન રિકવરી અને મની લોન્ડરિંગ કેસની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ આદેશમાં થયેલી ભૂલોને સ્વીકારી છે.
ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ આદેશમાં સુધારાની માંગ કરી હતી. EDની દલીલ એવી હતી કે, કોર્ટે આ કેસમાં તેનો પક્ષ સાંભળ્યા વિના જ સ્ટે ઓર્ડર પાસ કરી દીધો હતો. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ સંજય કુમાર દ્વારા આપવામાં આવેલા નિર્ણયમાં વધુ એક ખામી હતી. એક તરફ પક્ષકારોને તેમની ફરિયાદની સુનાવણી માટે હાઈકોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું અને સાથે જ વચગાળાનું રક્ષણ આપવામાં આવ્યું હતું, જે કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી અમલમાં રહેશે.
બન્ને ભૂલોને સ્વીકારી અને આદેશમાં સુધારો
સામાન્ય રીતે જ્યાં સુધી પક્ષકારો હાઈકોર્ટમાં ન પહોંચે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનું રક્ષણ ચાલુ રહે છે. સુપ્રીમ કોર્ટ વચગાળાના રક્ષણ અંગેના નિર્ણયનો મામલો હાઈકોર્ટ પર છોડી દે છે. મંગળવારે જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે બન્ને ભૂલોને સ્વીકારી અને આદેશમાં સુધારો કર્યો. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી પક્ષકારો હાઈકોર્ટનો સંપર્ક ન કરે ત્યાં સુધી વસૂલાતની કાર્યવાહીમાં વચગાળાનું રક્ષણ ચાલુ રહેશે. આ પછી વચગાળાના આદેશ પર હાઈકોર્ટ નિર્ણય લેશે.
'ભૂલો સ્વીકારવામાં કોઈ ખચકાટ નહીં'
ખંડપીઠે કહ્યું કે, કોર્ટ છેલ્લો ઉપાય છે. તેથી, આ કોર્ટ તેના આદેશોની ભૂલો સ્વીકારવામાં અચકાશે નહીં અને ચીજોને ઠીક કરવા માટે હંમેશા તૈયાર છે. ખંડપીઠે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી સ્વીકારતી વખતે 4 જુલાઈ 2023 ના રોજ પસાર કરેલા તેના આદેશનો તે ભાગ પાછો ખેંચી લીધો, જેમાં મની લોન્ડરિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બંધારણીય અદાલત ભૂલોને ઓળખે અને તેને સુધારે તે જરૂરી
વીકે જૈન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે, અમારી કાયદાકીય વ્યવસ્થા ન્યાયાધીશોની ભૂલની શક્યતાને સ્વીકારે છે. જો કે, આ અવલોકન જિલ્લા અદાલતના ન્યાયાધીશોના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું, તે ન્યાયતંત્રની ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોને સમાન રીતે લાગુ પડે છે. કોર્ટે કહ્યું કે, બંધારણીય અદાલત તેના ન્યાયિક આદેશોમાં જે ભૂલો થઈ છે તેને ઓળખે અને તેને સુધારે તે જરૂરી છે.