- 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર
- તમામ 24 રાજકીય પક્ષોએ સંસદના આ વિશેષ સત્રમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આ 24 પક્ષો વતી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. તમામ 24 રાજકીય પક્ષોએ સંસદના આ વિશેષ સત્રમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આ 24 પક્ષો વતી વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પીએમ મોદીને પત્ર લખીને સોનિયા ગાંધીએ તેમને વિશેષ સત્રના એજન્ડા વિશે પૂછ્યુ છે. કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 5 બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. અમૃત કાલ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં અર્થપૂર્ણ ચર્ચા થાય તેવી અપેક્ષા છે.
સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર
વાસ્તવમાં, બંધારણના અનુચ્છેદ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદના સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જે રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કરવામાં આવે છે, જેના દ્વારા સાંસદો (સંસદના સભ્યો)ને સત્રમાં બોલાવવામાં આવે છે.
ચોમાસુ સત્ર દરમિયાન ભારે હોબાળો થયો હતો
અગાઉ સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી ચાલતું હતું. મણિપુર હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર પર પીએમ મોદીના નિવેદન પર ચર્ચા કરવા પર અડગ હતો, જ્યારે સરકાર ગૃહ પ્રધાન અમિત શાહના જવાબ સાથે ચર્ચા કરવા આગ્રહ કરી રહી હતી. આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.
આ પછી કોંગ્રેસ મણિપુર મુદ્દે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ સાથે વિપક્ષનો પ્રસ્તાવ પણ પડી ગયો. હકીકતમાં, મણિપુરમાં 3 મેથી હિંસા ફેલાઇ હતી. ત્યાંની હિંસામાં 160 લોકોના મોત થયા છે. હિંસાની આગમાં 10 હજાર ઘરો નાશ પામ્યા હતા. 50 હજારથી વધુ લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર થયા હતા.