ઘણીવાર જીવનમાં એવી ઘટનાઓ બને છે કે જેને ચમત્કાર જ કહી શકાય. મડદુ બેઠુ થઇ જાય, એ ઘટના શું કોઇ ચમત્કારથી ઓછી કહેવાય ? ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. ઘરના વ્યક્તિઓ એક વૃદ્ધનું મોત થતા તેમને એમ્બ્યુલન્સમાં ઘરે લઇ જઇ રહ્યા હતા પરંતુ અડધે રસ્તે જ એવી ઘટના બની કે જે આંખોમાં આંસુ હતા ચે ચહેરા પર સ્મિત રેલાઇ ગયુ અને આશાનું કિરણ જાગ્યું. શું છે સમગ્ર ઘટના જાણીએ આ અહેવાલમાં..
ને અચાનક જીવમાં જીવ આવ્યો..
વાત એવી છે કે કે 65 વર્ષીય પાંડુરંગ ઉલ્પેની હાર્ટ અટેકથી મોત થયુ હતું. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યો વૃદ્ધાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લાવી રહ્યા હતા જેથી અંતિમ સંસ્કાર બાદ તેમને સ્મશાનભૂમિમાં લઈ જઈ શકાય. આ દરમિયાન એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પરથી પસાર થતાં મૃતદેહની સાથે એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકોને પણ આંચકો લાગ્યો હતો. તે પછી જોયુ તો મૃત જાહેર કરાયેલા વૃદ્ધ પાંડુરંગને અચાનક શ્વાસ લેવા લાગ્યા હતા.
16 ડિસેમ્બરે મૃત જાહેર કર્યા
65 વર્ષીય પાંડુરંગ ઉલ્પે માટે, રસ્તા પર એક સ્પીડ બ્રેકર જીવન બચાવનાર સાબિત થયું. હોસ્પિટલમાંથી પાંડુરંગના 'મૃતદેહ'ને લઈ જતી એમ્બ્યુલન્સે સ્પીડ બ્રેકર આવતા અચાનક એવી બ્રેક મારી કે આખી એમ્બ્યુલન્સ ઉછળી. એમ્બ્યુલન્સમાં રહેલા લોકોએ તો જોરદાર આંચકો અનુભવ્યો જ પરંતુ મૃત વૃદ્ધની આંગળીઓ હલવા લાગી હતી. 16 ડિસેમ્બરે આ ઘટના બની હતી. પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કસાબા-બાવડાના રહેવાસી ઉલ્પેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
એક એમ્બ્યુલન્સ પાડુંરંગના 'મૃતદેહ'ને હોસ્પિટલથી તેમના ઘરે લઈ જઈ રહી હતી, જ્યાં તેમના નિધનના સમાચાર સાંભળીને પડોશીઓ અને સંબંધીઓ ભેગા થઈ ગયા હતા અને તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા આ દરમિયાન પાંડુરંગ 'જીવતા' થઈ ગયા.
તેમની આંગળીઓ હલતી હતી- પાંડુરંગ ઉલ્પેના પત્ની
પાંડુરંગ ઉલ્પેની પત્નીએ કહ્યું, જ્યારે અમે હોસ્પિટલથી તેમના 'મૃતદેહ'ને ઘરે લાવી રહ્યા હતા, ત્યારે એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર પરથી પસાર થઈ અને અમે જોયું કે તેમની આંગળીઓ હલતી હતી. તેમનામાં જીવ હોવાનું ધ્યાને આવતા અમે તેમને બીજી હોસ્પિટલ લઇ ગયા. જ્યાં તેમને 15 દિવસ રાખવામાં આવ્યા હતા. તેમની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સ્થિર છે અને પાંડુરંગ સોમવારે ચાલતા હોસ્પિટલથી ઘરે પરત ફર્યા.
મને તો કંઇ યાદ જ નથી- પાંડુરંગ
16 ડિસેમ્બરની ઘટનાનું વર્ણવ કરતા પાંડુરંગ ઉલ્પેએ કહ્યું કે હું ઘરે આવ્યો હતો અને ચા પીને બેઠો હતો. મને ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. હું બાથરૂમમાં ગયો અને ઉલટી થઈ. મને યાદ નથી કે તે પછી શું થયું અને કોણ મને હોસ્પિટલ લઈ ગયું. જો કે આ મામલે પાંડુરંગ ઉલ્પેને મૃત જાહેર કરનાર હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી. સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે.