મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે. સ્પેશિયલ પ્લેનથી રાણાને ભારત લવાઇ રહ્યો છે. બપોરે ભારત આવી પહોંચશે તેમ કહેવાઇ રહ્યું છે. ત્યારે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનું નિવેદન સામે આવ્યું છે.
મોદી સરકારની રાજદ્વારી સફળતા- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાણાનું પ્રત્યાર્પણ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની એક મોટી રાજદ્વારી સફળતા છે. તહવ્વુર રાણાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત લાવવામાં આવશે, કારણ કે યુએસ સુપ્રીમ કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણ સામે દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે.
ભારતના બંધારણ મુજબ સજા કરાશે - અમિત શાહ
અમિત શાહે ન્યૂઝ 18ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ એ વડા પ્રધાન મોદીની કૂટનીતિની મોટી સફળતા છે. ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારનો પ્રયાસ ભારતની ઓળખ, ભૂમિ અને લોકો પર હુમલો કરનાર કોઈપણ વ્યક્તિને સજા કરવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, તેના પર કેસ ચલાવવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે. આ મોદી સરકારની એક મોટી સિદ્ધિ છે.
કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
અમિત શાહે કોંગ્રેસનું નામ લીધા વિના પણ તેના પર નિશાન સાધ્યું અને કહ્યું કે '2008ના મુંબઈ હુમલા સમયે જે લોકો સત્તામાં હતા તેઓ રાણાને ભારત લાવી શક્યા નહીં. ઉલ્લેખનીય છે કે તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તે મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક છે. 2008 માં થયેલા તે હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાણાએ અમેરિકામાં તેના બધા કાનૂની વિકલ્પો ખતમ કરી દીધા છે અને હવે તેને ટૂંક સમયમાં ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.