26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ખાસ વિમાનમાં અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને આજે મોડી સાંજે અથવા તો કાલે સવારે ભારત લાવવામાં આવશે. સૂત્રોનું કહેવુ છે કે તેની સાથે ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટીગેટીવ અધિકારીઓની એક વિશેષ ટીમ પણ હશે. રાણાએ પ્રત્યર્પણ માટે તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી પુરી કરી લીધી છે.
પહેલા દિલ્હી લવાશે
તહવ્વુર રાણાને કાલે તેની કસ્ટડી માટે NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહવ્વુર રાણા વિરુદ્ધ દિલ્હીમાં NIAનો કેસ નોંધાયેલો છે. તેથી, રાણાને પહેલા દિલ્હી લાવવામાં આવશે અને અહીં NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પછીથી તેની કસ્ટડી લેશે.
ગૃહ મંત્રાલયના દેખરેખ હેઠળ કામગીરી
તહવ્વુર રાણાને કાલે તેની કસ્ટડી માટે NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુએસ કોર્ટના સૂચનો મુજબ દિલ્હી અને મુંબઈની જેલોમાં ગુપ્ત રીતે તહવ્વુર રાણા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે ભારત લાવ્યા પછી રાણાને શરૂઆતના થોડા અઠવાડિયા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની કસ્ટડીમાં રાખવામાં આવશે. આ સમગ્ર કામગીરી NSA અજિત ડોભાલ, NIA અને ગૃહ મંત્રાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ રહી છે.
રાણાએ કરી હતી અરજી ફગાવી દેવાઇ હતી
અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં.
ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા
ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક છે. ભારતીય એજન્સીઓ અનુસાર, રાણાએ પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરી હતી. હેડલી પહેલાથી જ અમેરિકામાં સજા કાપી રહ્યો છે અને તેણે તપાસમાં રાણાની ભૂમિકાની પુષ્ટિ કરી હતી. ભારત લાંબા સમયથી રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું અને હવે યુએસ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી આ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતીય તપાસ એજન્સીઓ માટે આ એક મોટી સફળતા છે.
તહવ્વુર રાણા મૂળ પાકિસ્તાની નાગરિક
64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં તેને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ રાણાએ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ 'ઈમરજન્સી પિટિશન' દાખલ કરી હતી, જેમાં 'હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી બાકી રહે ત્યાં સુધી પ્રત્યાર્પણ પર રોક' લગાવવાની માગ કરવામાં આવી હતી.













