અમદાવાદના નગર દેવી એટલે કે ભદ્રકાળી માતાજીના મંદિર આસપાસ જ્યાં નજર કરો ત્યાં પાથરણા જ પાથરણા નજરે પડે છે. આ સુનિયોજિત કાવતરું હોય તે રીતે ધીકતો ધંધો ચાલી રહ્યો છે. લોકો ભારે પરેશાન થઈ ગયા છે ટ્રાફિક સમસ્યા અધધ કહી શકાય એટલી નજરે પડે છે, પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી આખરે કેમ? તે સવાલ તમામ લોકોને થઈ રહ્યો છે આખરે ક્યાં કારણ જવાબદાર છે જોઈએ આ અહેવાલમાં.
1000થી 1200 જેટલા પાથરણા ગેરકાયદે લગાવવામાં આવી રહ્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવો કરે છે કે ભદ્રકાળી મંદિર ખાતે સતત દબાણ એટલે કે ગેર કાયદે પાથરણા વાળા લોકો ત્યાં આવે છે અને મન ફાવે ત્યાં પાથરણા પાથરી રોડ પર ગોઠવાય જાય છે, સ્થિતિ એ હદે વિકટ બને છે કે ઘણી વખત રિક્ષાને પસાર થવામાં પણ તકલીફ પડે છે. પરંતુ ના તો પોલીસ આ બાબતે કોઈ નક્કર કામગીરી કરે છે કે ના તો મનપાનું દબાણ ખાતું કામ કરે છે અને દરરોજ 1000થી 1200 જેટલા પાથરણા ગેરકાયદે લગાવવામાં આવી રહ્યા છે અને તેના ઉઘરાણા પણ કરવામાં આવી રહ્યા છે.
પાથરણા માફિયાઓ સામે કેમ નથી કરાતી કાર્યવાહી?
શહેર ભાજપ અધ્યક્ષ અને એલિસબ્રિજ ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે આ ગેરકાયદે પાથરણા જો હટાવવા હોય તો પોલીસે સખતાઈ સાથે કામ કરવું પડે અગાઉના અધિકારીઓ કડક હાથે કામ લેતા હતા, જેથી ગેરકાયદે પાથરણા લાગતા નહોતા અને રોડ ખુલ્લા હતા અમિત શાહના જણાવ્યા મુજબ સ્થાનિક માથાભારે તત્વો દરરોજના 5 લાખ રૂપિયા આ પાથરણા વાળા પાસેથી ઉઘરાવે છે. મુસ્લિમ રાષ્ટ્ર મંચ સાથે જોડાયેલા અને સ્થાનિક લઘુમતી આગેવાન ઉમર ખાન કહી રહ્યા છે કે અહીં બુટલેગરો અસામાજિક તત્વો અને પાથરણા માફિયાઓ ગરીબ અને નિસહાય લોકો પર શાસન કરી રહ્યા છે અને અલગ અલગ મંડળી બનાવી 40થી 50 પાથરણાના વહીવટ કરવામાં આવી રહ્યા છે. અહીં પાથરણા લગાવવા માટે પણ ભાવ હોય છે.
વાહનચાલકો થાય છે પરેશાન
કોઈ જગ્યા પર 1000થી 1200 રૂપિયા દરરોજ લેવામાં આવે છે. કોઈ જગ્યા પર 600થી 700, નાના પાથરણા હોય તેની પાસેથી 250થી 300 રૂપિયા લેવામાં આવે છે. છાપા પાથરી માવો કે છૂટક વસ્તુ વેચવા આવે તો તેની પાસેથી પણ 50 રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે. આ પાથરણા ગેરકાયદે લાગે છે તેના કારણે અહીં 108 કે એમ્બ્યુલન્સ જેવા વાહનો તો ત્વરિત નથી પહોંચી શકતા, પરંતુ અહીં પોલીસના વાહનો પણ આવી શકતા નથી અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો સ્થાનિક અસામાજિક તત્વો આટલા મોટા પ્રમાણમાં ઉઘરાણા કરે છે તો પછી પોલીસ અને મનપાની રહેમ નજર છે? કેમ ગેર કાયદે પાથરણા વાળા પર આટલો પ્રેમ આવી રહ્યો છે પોલીસ અને મનપાને?
એસ્ટેટ વિભાગની માત્ર દેખાડાની કામગીરી
મહાનગર પાલિકાનો એસ્ટેટ વિભાગ પણ જાણે કે દેખાડા પૂરતી કામગીરી કરતુ હોય તેવું લાગે છે, કારણ કે સવારે 11 વાગ્યા બાદ તમામ પાથરણા વાળા આવી જતા હોય છે. જ્યારે અને બાદમાં રાત્રીના 11 સુધી તે લોકો બેસતા હોય છે. આ દરમિયાન દબાણ હટાવવાની ગાડી જવલ્લે જ જોવા મળે છે. મનપા દરરોજ કામગીરી કરી પોતાના અધિકારીઓને રિપોર્ટ તો કરે છે, પરંતુ તે સવારે 9થી 11 સુધી જ આ કામગીરી કરી સંતોષ માને છે તો આ તરફ કારંજ પોલીસ સ્ટેશનની સામે જ આ બધા ખેલ ચાલે છે, પરંતુ પોલીસના પેટનું પાણી હલતું નથી, ત્યારે હવે આ પાથરણા માફિયાઓ પર સકંજો કસાય તે જરૂરી છે.













