મણીનગર ની સર્વોદય સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી.. આરોપી બીમાર ભાઈ ની સારવાર અને ઘર ચલાવવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ડોગ સ્ક્વોડ દ્વારા આરોપી પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી આરોપીએ ગુનાની કબુલાત કરતા આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


ડોગ સ્ક્વોડની મદદથી ઝડપાયો આરોપી

મણીનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અર્જુન ચુનારા છે. જે ઇસનપુરના રામ ગલી છાપરાનો રહેવાસી છે. જેને મણીનગરના સર્વોદય સોસાયટી ના ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી 13. 96 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોંઘીદાટ કાંડા ઘડિયાળ ની ચોરી કરી હતી. ચોરીની જાણ પોલીસને થતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપી અર્જુન ચુનારા હોવાની શંકા વ્યક્ત થઇ હતી. જેથી આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા હતા. તે સમયે જ પોલીસના ડોગ સ્ક્વોડએ પણ આરોપી અર્જુન હોવાની શંકા વ્યક્ત કરી હતી. આરોપીએ પોતે કરેલો ગુનો કબુલ કર્યો અને આરોપી પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દા માલ કબજે કર્યો.

જરૂરિયાત, મજબૂરીએ ચોરીના ધંધામાં સપડાયો

આરોપી અર્જુન ચુનારાની ચોરીના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા તેનો ભાઈને પેટની બીમારી હોય તથા ઘરની જવાબદારી પણ તેના માથે હોય.. સારવાર અને ઘર ચલાવવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાની હકીકત સામે આવી છે. આરોપીના ગુનાઈ ઇતિહાસની તપાસ કરતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ, વાહન ચોરી પાલડી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં ઝડપાયો હોવાની હકીકત સામે આવી છે. મહત્વનું છે કે આરોપી તાજેતરમાં જ પાછા સજા ભોગવીને જેલની બહાર આવ્યો છે. અને આવતાની સાથે જ તેને ચોરીને અંજામ આપતા ફરી વખત તેની ધરપકડ કરવામાં આવી. લાખો રૂપિયાની ઘર પર ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે એક તરફ પોલીસની શંકા તો બીજી તરફ ડોગ સ્ક્વોડે પણ ગુનો ઉકેલવામાં મદદ કરી છે.જેથી આરોપીની ધરપકડ કરવામાં પોલીસ ને મદદ મળી.

  • Follow us on: