જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઝપાઝપી અને હોબાળા અંગે ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, વિધાનસભામાં બંધારણનો શ્વાસ રૂંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રન્સ દેશ તોડવાનું કામ કરી રહી છે. સ્મૃતિ ઈરાને કહ્યું કે, કલમ-370 નાબૂદી પછી આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ છે. આ ઉપરાંત યાસીન મલિકની પત્નીના પત્ર અંગે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર વાક્ પ્રહારો કર્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે, જે લોકોએ આતંકવાદનો આશરો લીધો છે તેઓ ગાંધી પરિવારની મદદ માંગી રહ્યા છે. જેણે કાશ્મીરમાં આતંક મચાવ્યો અને નિર્દોષોના જીવ લીધા, તે આજે ગાંધી પરિવાર તરફ કેમ મદદનો હાથ લંબાવે છે? શું કોઈ આતંકવાદી આજે આ રૂમમાં બેઠેલા કોઈપણ વ્યક્તિ પાસેથી ટેકો માંગી શકે છે? તો એવું શું છે કે આજે જેઓ આતંકવાદને ટેકો આપે છે તેઓ ગાંધી પરિવારની મદદ લેવા માંગે છે.
જમ્મુ-કાશ્મીરમાં બંધારણને ટૂંપો આપવાનો પ્રયાસ
દેશની સંસદ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય દરેકને સ્વીકાર્ય છે. એ નિર્ણયનું અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો? ઈન્ડી એલાયન્સે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય બંધારણનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. કલમ-370 ફરી લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કરીને આદિવાસીઓ, દલિતો અને મહિલાઓનાં અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા ગઠબંધનના લોકો ભારતના બંધારણ સામે નવું યુદ્ધ લડી રહ્યા હોય તેવું લાગે છે.
યાસીન મલિકની પત્નીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ભાગલાવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશલ હુસૈન મલિકે રાહુલ ગાંધીને પત્ર લખીને પોતાના પતિ માટે ન્યાયની વિનંતી કરી છે. આ પત્રમાં મુશલે કહ્યું કે યાસીન જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મુશાલે રાહુલને આ મામલો સંસદમાં ઉઠાવવાની અપીલ કરી છે. યાસીન દેશદ્રોહના આરોપમાં જેલમાં છે. વર્ષ-2022માં નીચલી કોર્ટે યાસીનને આજીવન કેદની સજા ફટકારી હતી.