પાકિસ્તાનના બીજા સૌથી મોટા શહેર લાહોરના રહેવાસીઓ અત્યંત ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 1900 પર પહોંચ્યો, જેના પછી સરકારી તંત્ર દોડતું થયું છે. વાયુ પ્રદૂષણની આવી ખતરનાક સ્થિતિ વચ્ચે લાહોરમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
વિશ્વની તમામ એજન્સીઓની યાદીમાં લાહોર શહેર પ્રદૂષણમાં સૌથી ટોચ પર યથાવત્ રહ્યું હતું. જેને લઈ પંજાબ પ્રાંતના પર્યાવરણ મંત્રી મરિયમ ઔરંગઝેબે ભારત પર ઠીકરું ફોડતા કહ્યું કે, તે નવી દિલ્હીની સામે આ મુદ્દાને રાખશે.
લાહોરમાં ભયાનક સ્થિતિ, 'ગ્રીન લૉકડાઉન'ની તૈયારીઓ
લાહોરમાં ઝેરી હવાને જોતા, એક અઠવાડિયા માટે 'વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત કરવામાં આવ્યું છે. રવિવારે સમગ્ર શહેરમાં ધોરણ 5 સુધીની તમામ શાળાઓને 9મી નવેમ્બર (શનિવાર) સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. બાળકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પ્રતિબંધો વધુ લંબાવવામાં આવશે.
ઔરંગઝેબે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમણે ઈંટના ભઠ્ઠા માલિકો અને ટ્રાન્સપોર્ટરોને ચેતવણી આપી કે પરિસ્થિતિ વધુ વણસે નહીં. તેમણે કહ્યું કે સરકાર લૉકડાઉન લાદવા સહિત કડક પગલાં લઈ શકે છે. મંત્રીએ કહ્યું કે બે વધારાના 'ગ્રીન લોકડાઉન' માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
પાકિસ્તાનના મંત્રીએ ભારત પર આક્ષેપ કર્યો
પાકિસ્તાનમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના વરિષ્ઠ મંત્રી મરિયમ ઔરંગઝેબે 'ભારતમાંથી ધુમ્મસ આવવા' વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી લાહોર તરફ પવન ફૂંકાતા રહેશે. મંત્રીએ દાવો કર્યો કે અમૃતસર અને ચંદીગઢથી આવતા પૂર્વીય પવનોને કારણે લાહોરમાં છેલ્લા બે દિવસથી AQI 1,000ને વટાવી ગયો છે.
ઔરંગઝેબે કહ્યું, 'ભારતથી લાહોર તરફ ફૂંકાઈ રહેલો પવન... ધુમ્મસને ખતરનાક સ્તરે લઈ જઈ રહ્યો છે અને ઓછામાં ઓછા આગામી સપ્તાહ સુધી પવન આ દિશામાં રહેવાની શક્યતા છે... લોકોને બિનજરૂરી રીતે તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. બહાર જવાનું ટાળીને પોતાની કાળજી લેવી જોઈએ. વૃદ્ધો અને બાળકોએ ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ...' ઔરંગઝેબે કહ્યું કે પવનની દિશા બદલી શકાતી નથી અને સરહદ પારના ધુમ્મસનો મુદ્દો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.