- આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
- પાક વીમા યોજનામાં 4 કરોડ ખેડૂતોને પાક વીમો અપાયો
- સીમાંત અને નાના 11.8 કરોડ ખેડૂતનોને નાણાકીય સહાય
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 01લી ફેબ્રુઆરી, ગુરુવારેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા અને પૂર્ણ સમયના મહિલા નાણાં પ્રધાન તરીકે તેમનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં તેમના બજેટ ભાષણની શરૂઆત મોદી સરકારની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓની યાદ કરાવીને કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અર્થતંત્રમાં મોટો સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ' ના મંત્ર સાથે આગળ વધી છે અને તેની અસર દરેક ક્ષેત્ર પર દેખાઈ રહી છે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને રોજગાર ક્ષેત્રે મોટા પગલાં લેવામાં આવ્યા છે.
નિર્મલા સીતારમણે બજેટમાં યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. જો કે વચગાળાના બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. તો નાણામંત્રીએ ખેડૂતો માટે શું જાહેરાત કરી છે તે જાણીએ.
4 કરોડ ખેડૂતોને પાક વીમો આપવામાં આવ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, ખેડૂતો આપણા અન્નદાતા છે. તેમણે કહ્યું કે, પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દર વર્ષે સીમાંત અને નાના ખેડૂતો સહિત 11.8 કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ તેમણે માહિતી આપી હતી કે, પીએમ પાક વીમા યોજના હેઠળ 4 કરોડ ખેડૂતોને પાક વીમો આપવામાં આવ્યો છે. અન્ય ઘણા કાર્યક્રમો ઉપરાંત અનેક ઉપાયો દ્વારા 'અન્નદાતા' ને દેશ અને સમગ્ર વિશ્વ માટે ખોરાકના ઉત્પાદનમાં મદદ કરવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટે 1361 મંડી બજારને એકીકૃત કર્યા છે અને તેમાં 3 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ રહ્યો છે અને 1.8 કરોડ ખેડૂતોને સેવાઓ મળી રહી છે.
ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવશે
બજેટ 2024ના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં મૂલ્ય ઉમેરવા અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે અને 10 લાખ રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રીની માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝિસ ફોર્મલાઈઝેશન સ્કીમ દ્વારા 2.4 લાખ સ્વ-સહાય જૂથો (SHG) અને 60 હજાર વ્યક્તિઓને લોનની સુવિધા મેળવવામાં મદદ મળી છે.
અન્ય યોજનાઓને ફાળવણી બાદના નુકસાનને ઘટાડવા અને ઉત્પાદકતા અને આવક વધારવાના પ્રયાસોમાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સુનિશ્ચિત કરવાં અમારી સરકાર ઉત્પાદન એકત્રીકરણ, આધુનિક સંગ્રહ, કાર્યક્ષમ પુરવઠા શૃંખલા, પ્રાથમિક અને ગૌણ પ્રક્રિયા અને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સહિત લણણી પછીની પ્રવૃત્તિઓમાં ખાનગી અને જાહેર રોકાણને વધુ પ્રોત્સાહિત કરશે.
નેનો ડીએપીનો ઉપયોગ કરવામાં આવશે
વધુમાં, નેનો યુરિયાને સફળતાપૂર્વક અપનાવ્યા બાદ નેનો ડીએપીનો ઉપયોગ તમામ કૃષિ-આબોહવા ઝોનમાં વિવિધ પાકો પર કરવામાં આવશે. ઉપરાંત તેમણે કહ્યું કે, વર્ષ 2022 માં જાહેર કરાયેલી પહેલથી આગળ વધીને સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલીબિયાંના સંદર્ભમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. આમાં ઉચ્ચ ઉપજ આપતી જાતો માટે સંશોધન, આધુનિક કૃષિ તકનીકોને મોટા પાયે અપનાવવા, બજાર જોડાણો, પ્રાપ્તિ, મૂલ્ય-વધારા અને પાક વીમોનો સમાવેશ થશે.