ભાજપ 25મી સપ્ટેમ્બરે મહાસદસ્યતા અભિયાન ચલાવશે. આ અભિયાનમાં ભાજપે દેશના કરોડો લોકોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. આ તારીખે પાર્ટી કેન્દ્ર, રાજ્ય, જિલ્લા, વિભાગથી લઈને બૂથ સ્તર સુધી સદસ્યતા અભિયાનની વિશેષ ઝુંબેશ ચલાવશે. નોંધનીય છે કે, 25મી સપ્ટેમ્બરે ભાજપના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ છે.


PM મોદીએ આ અભિયાનની શરૂઆત કરી

ભાજપે દેશભરમાં મેગા સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અભિયાનની શરૂઆત તેના પ્રથમ સદસ્ય બનીને કરી હતી. ભાજપના આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાઈ રહ્યા છે. જ્યાર બાદ દેશના વિવિધ રાજ્યમાં આ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. 

રાજ્યને સદસ્ય બનવાનો ટાર્ગેટ અપાયો

આ યોજના હેઠળ દેશભરમાંથી જે પણ ભાજપનો સભ્ય બનશે તેની સંપૂર્ણ કુંડળી પાર્ટી પાસે રહેશે. જો કે, આ યોજના હેઠળ દરેક રાજ્યને સદસ્ય બનવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ અભિયાનમાં AIનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી એક જ વ્યક્તિને બે વખત પાર્ટીના સદસ્ય બનતા અટકાવી શકાય. આ અભિયાન હેઠળ જો કોઈ પાર્ટીનો સદસ્ય બનવા માંગે છે, તો તે ઘરે બેસીને ઓનલાઈન મોડ દ્વારા સભ્ય બની શકે છે.

સદસ્ય કેવી રીતે બનવું?

પાર્ટીનું આ સદસ્યતા અભિયાન ઓનલાઈન મોડમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કોઈપણ વ્યક્તિ મિસ્ડ કોલ, નમો એપ, વેબસાઈટ અને QR કોડ સ્કેન કરીને સભ્ય બની શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈપણ વ્યક્તિ માત્ર 6 વર્ષ સુધી પાર્ટીનો સદસ્ય રહી શકે છે. 6 વર્ષ પછી ફરીથી સદસ્યતા લેવાની રહેશે. ભાજપ દર પાંચ વર્ષે સદસ્યતા અભિયાન ચલાવે છે.

આ અભિયાન 51 દિવસ સુધી ચાલશે

આ વખતે ભાજપે 10 ​​કરોડ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અભિયાન 51 દિવસ સુધી ચાલશે. તેની ખાસ વાત એ છે કે, પાર્ટીએ 51 દિવસમાં તમામ કામ પૂર્ણ કરવાના છે. જ્યારે પાર્ટીએ 2014માં સદસ્યતા અભિયાન શરૂ કર્યું ત્યારે 11 કરોડથી વધુ સદસ્યો જોડવામાં આવ્યા હતા અને આ અભિયાન લગભગ 6 મહિના સુધી ચાલ્યું હતું.


  • Follow us on: