- કોંગ્રેસને ઇન્કમ ટેક્સ વિભાગની વધુ એક નોટિસ
- 1745 કરોડ રૂપિયાથી વધુ ટેક્સની માગ કરતી મળી નોટિસ
- અગાઉ 1823 કરોડ રૂપિયાને લઇને મળી હતી નોટિસ
ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વધુ એકવાર કોંગ્રેસને ટેક્સની માગ સાથે નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી 1745 કરોડ રૂપિયાથી વધુના ટેક્સની માંગ કરતી નવી નોટિસ મળી છે. વિભાગે પાર્ટી પાસેથી 1823 કરોડ રૂપિયાથી વધુ ટેક્સની માંગણી કર્યાના થોડા દિવસો બાદ આ નોટિસ આવી છે.
કુલ મળીને 3567 કરોડનો ટેક્સ ?
આ દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યો હતો જે મુજબ, નવીનતમ ટેક્સ નોટિસ 2014-15 થી 2016-17ના મૂલ્યાંકન વર્ષ સાથે સંબંધિત છે. જો આ રીતે જોવામાં આવે તો આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટી પાસેથી કુલ 3,567 કરોડ રૂપિયાના ટેક્સની માંગણી કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આવકવેરાની નોટિસ વર્ષ 2014-15 (₹663 કરોડ), 2015-16 (અંદાજે ₹664 કરોડ) અને 2016-17 (અંદાજે ₹417 કરોડ) સાથે સંબંધિત છે.
થર્ડ પાર્ટી એન્ટ્રી માટે પણ ટેક્સ
આવકવેરા વિભાગે કોંગ્રેસ પર થર્ડ પાર્ટી એન્ટ્રી પર પણ ટેક્સ લગાવ્યો છે. આ એન્ટ્રીઓ કથિત રીતે દરોડા દરમિયાન તેના કેટલાક નેતાઓ પાસેથી જપ્ત કરાયેલી ડાયરીઓમાં કરવામાં આવી હતી. શુક્રવારે કોંગ્રેસને વિભાગ તરફથી નોટિસ મળી હતી, જેમાં ટેક્સ તરીકે 1823 કરોડ રૂપિયાની મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. અધિકારીઓએ ગત વર્ષની ટેક્સ ડિમાન્ડ માટે પાર્ટીના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે.
શું કહ્યુ મલ્લિકાર્જુન ખડગેએ ?
કોંગ્રેસના ખાતામાંથી 135 કરોડ રૂપિયા કાપવાના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, 'કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો દ્વારા 14 લાખ રૂપિયા રોકડ જમા કરવા પર 135 કરોડ રૂપિયાના દંડની માંગ! માત્ર વિપક્ષ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવા માટે ઇન્કમટેક્સ વિભાગ પર કોણ દબાણ કરી રહ્યું છે? મુખ્ય વિપક્ષી પાર્ટી-કોંગ્રેસને હેરાન કરવા માટે આઈટી વિભાગનો હથિયાર તરીકે ઉપયોગ કેમ થવા દેવામાં આવે છે!