- સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે
- કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા પર ભાર
- વિશેષ પ્રોજેક્ટ શરૂ કરાશે અને સ્થાનિકો રોજગારી સર્જવામાં આવશે
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે સતત છઠ્ઠી વખત સંસદમાં બજેટ રજૂ કર્યું. વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છે અને કેન્દ્ર સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા પર સંપૂર્ણ ભાર મૂકશે. માલદીવ સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે લોકો લક્ષદ્વીપને વૈકલ્પિક પ્રવાસન સ્થળ તરીકે જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, વચગાળાના બજેટમાં લક્ષદ્વીપ માટે કરવામાં આવેલી જાહેરાત ઘણી મહત્વની છે. આ સિવાય સરકાર દેશભરમાં પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર રોકાણ કરશે.
કેન્દ્ર સરકાર લક્ષદ્વીપ પ્રવાસનને વિકસાવવા
વધુમાં, નાણાંકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોકોના સ્થાનિક પ્રવાસન પ્રત્યેના વધતા ઉત્સાહને પહોંચી વળવા માટે લક્ષદ્વીપ અને અમારા અન્ય ટાપુ જૂથોમાં પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખા અને સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે. આ માટે વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને તેનાથી રોજગારી સર્જવામાં પણ મદદ મળશે. દેશના નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ગુરુવારે સતત છઠ્ઠી વખત સંસદમાં બજેટ રજૂ કર્યું. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે.
અમિત શાહે X પર કહ્યું કે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મોદી સરકારનું આ બજેટ પ્રવાસન ક્ષેત્રને નવી ઉર્જા આપવાનું કામ કરશે. બજેટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે રાજ્યોને પ્રોત્સાહનો અને લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રની અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. લક્ષદ્વીપ અને અન્ય ટાપુઓમાં એર કનેક્ટિવિટી શરૂ કરવાં અને તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે મોદીજીનો આભાર માન્યો હતો.
માલદીવ અને ભારત વચ્ચે તણાવ
તાજેતરમાં મોહમ્મદ મુઇઝુએ સપ્ટેમ્બરમાં માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે જીત મેળવી હતી. મુઇઝ્ઝુ અને તેમની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસને ચીન તરફી તરીકે જોવામાં આવે છે. માલદીવના રાષ્ટ્રપતિ પહેલાં ભારતની મુલાકાતે આવતાં હતાં. પરંતુ મુઈઝુએ આ પરંપરા તોડીને પહેલાં તુર્કીની મુલાકાત લીધી હતી. આ સિવાય તેમણે ભારત સરકારને માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને પાછા બોલાવી દેવા કહ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ તેમના દેશમાંથી ભારતીય સૈનિકોને પાછા ખેંચવા માટે 15 માર્ચનું અલ્ટીમેટમ આપ્યું છે. માલદીવના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને માલદીવ 14 જાન્યુઆરીએ દ્વીપીય રાષ્ટ્રમાંથી ભારતીય સૈનિકોને ઝડપથી પાછા ખેંચવા પર સહમત થયા છે. ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે HAL ધ્રુવ હેલિકોપ્ટર સાથે લગભગ 70 ભારતીય સૈનિકો માલદીવમાં તૈનાત છે.
PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ વિવાદ વધ્યો
આ દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી ત્યારે લક્ષદ્વીપની પ્રશંસામાં કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી અને ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. જ્યારે પીએમ મોદીએ લક્ષદ્વીપની તસવીરો શેર કરી તો લોકોએ તેને માલદીવના વિકલ્પ તરીકે રજૂ કર્યો. આ પછી માલદીવના મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ ભારતે નવી દિલ્હીમાં હાજર માલદીવના રાજદૂતને બોલાવ્યા હતા.
માલદીવે ત્રણ વિવાદાસ્પદ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા
PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી, અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર અને શ્રદ્ધા કપૂર જેવી બોલિવૂડ હસ્તીઓ અને ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ, સચિન તેંડુલકર, હાર્દિક પંડ્યાએ ચાહકોને ભારતીય પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. વિવાદ વધતો જોઈને માલદીવે ત્રણ વિવાદાસ્પદ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. વડાપ્રધાન મોદી વિરુદ્ધ 'અપમાનજનક ટિપ્પણીઓ' પોસ્ટ કરવા બદલ ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરતી વખતે માલદીવ સરકારે કહ્યું હતું કે આ તેમના અંગત મંતવ્યો છે અને સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી.