- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
- સિરીઝની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી વિઝાગ સ્ટેડિયમમાં રમાશે
- ભારતીય ટીમ 12 વર્ષ બાદ કોહલી અને જાડેજા વિના મેચ રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત પહેલાથી જ 0-1થી પાછળ છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો 28 રને પરાજય થયો હતો. જે બાદ ભારતીય ટીમ કોઈપણ ભોગે બીજી ટેસ્ટ જીતીને સિરીઝ બરોબરી કરવા ઈચ્છશે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ એટલું સરળ નથી કારણ કે વિરાટ કોહલી પહેલાથી જ બે ટેસ્ટમાંથી બહાર છે અને રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત છે.
જે બાદ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પ્લેઈંગ-11ની પસંદગી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે બીજી ટેસ્ટ મેચમાં એક અનિચ્છનીય સંયોગ પણ બની રહ્યો છે જે બરાબર 12 વર્ષ પહેલા બન્યો હતો.
ભારત 12 વર્ષ પછી જાડેજા-વિરાટ વિના રમશે
ભારતે અગાઉ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા વગર ટેસ્ટ મેચ રમી હતી. જે બાદ હવે 12 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચમાં આ બંને વગર ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ પહેલા આ બે ખેલાડીઓમાંથી ઓછામાં ઓછો એક ભારતીય ટીમનો ભાગ હતો.
વિરાટ પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર
જ્યારે BCCIએ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. તે સમયે વિરાટ કોહલી ટીમનો ભાગ હતો. પરંતુ ઓપનિંગ ટેસ્ટ પહેલા જ તેણે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જો કે એવી સંભાવના છે કે વિરાટ ત્રીજી ટેસ્ટથી ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે.
જાડેજાને ઈજાના કારણે ટીમમાંથી બહાર
રવીન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટમાં સ્નાયુંમાં ખેચનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તે બીજી ટેસ્ટ રમી રહ્યો નથી. જો કે તેના બાકીની મેચો રમવા પર શંકા છે. જાડેજાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ અને બીજી ઈનિંગમાં બોલિંગ કરતી વખતે અનુક્રમે 3 અને 2 વિકેટ ઝડપી હતી. તો પ્રથમ દાવમાં તેણે 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી.