- ભારતીય ક્રિકેટર પૃથ્વી શો ટીમમાં કરશે વાપસી
- ઘૂંટણની ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી હતો દૂર
- પૃથ્વી શૉ રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમનો ભાગ
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો લાંબા સમયથી પોતાની ફિટનેસને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો. વાસ્તવમાં ઘૂંટણની ઈજાને કારણે પૃથ્વી લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર હતો. જે બાદ હવે પૃથ્વી શૉ સંપૂર્ણપણે ફિટ છે અને ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) બેંગલુરુએ પૃથ્વી શોની ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે. લાંબા સમયથી પૃથ્વી પોતાને ફિટ રાખવા માટે કસરત અને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હાલ પૃથ્વી NCAમાં જ નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે.
આ મેચમાં કરશે વાપસી
પૃથ્વી શૉ રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમનો ભાગ છે. હવે રણજી ટ્રોફી 2024માં મુંબઈની આગામી મેચ 2 ફેબ્રુઆરીથી કોલકાતા સાથે રમાશે. રિપોર્ટ્સ અનુસાર પૃથ્વી શો આ મેચમાં રમતા જોવા મળી શકે છે. પૃથ્વી 6 મહિના પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. વર્ષ 2023માં નોર્થમ્પટનશાયર માટે મેચ રમતા પૃથ્વીને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ પૃથ્વી ટીમની બહાર થઈ ગયો હતો. ઈજા પહેલા પૃથ્વી શાનદાર ફોર્મમાં હતો, તેણે 244 અને 124 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
BCCI અધિકારીએ કરી પુષ્ટિ
અહેવાલો અનુસાર, BCCI અધિકારીએ પુષ્ટિ કરી છે કે પૃથ્વી શો હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે રણજી ટ્રોફીમાં ભાગ લઈ શકે છે. BCCIએ પૃથ્વી શૉની ફિટનેસ વિશે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પણ જાણ કરી છે.
પૃથ્વી શૉની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
પૃથ્વી શૉએ વર્ષ 2021માં ભારતીય ટીમ માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યારબાદ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. અત્યાર સુધી પૃથ્વી શૉ ટીમ ઈન્ડિયા માટે 5 ટેસ્ટ, 6 ODI અને 1 T20 મેચ રમી ચૂક્યો છે. પૃથ્વીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 339 રન છે, જ્યારે ODIમાં તેણે પોતાના બેટથી 189 રન બનાવ્યા છે.