જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે મોટો હુમલો કરનાર આતંકીની તસવીર સામે આવી છે. આતંકવાદી હાથમાં બંદૂક સાથે પરિસરમાં પ્રવેશતો જોઈ શકાય છે. તેની તસવીર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આતંકીની શોધમાં સુરક્ષાકર્મીઓએ તસવીર શેર કરી છે. આ ઉપરાંત તેના અન્ય સહયોગીઓ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
આતંકવાદી હુમલામાં 7 લોકોના મોત
આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો હતો જ્યારે ગાંદરબલના ગુંડમાં ઝેડ મોડ ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મજૂરો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પાછા ફર્યા હતા. ખીણમાં કોઈ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના બાંધકામ કામદારો પર આ પહેલો મોટો હુમલો છે. આ હુમલો એવા વિસ્તારમાં થયો છે જ્યાં છેલ્લા એક દાયકામાં આતંકવાદીઓની હાજરી ઘણી ઓછી છે. હુમલામાં બડગામના એક ડૉક્ટર અને પાંચ બિન-સ્થાનિક સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા.
આતંકવાદીઓએ અંધાધૂંધ કર્યો ગોળીબાર
અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે જિલ્લાના ગુંડ વિસ્તારમાં એક ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા મજૂરો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પાછા ફર્યા ત્યારે અજાણ્યા આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ કામદારોના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં સ્થાનિક અને બહારના લોકો બન્ને સામેલ હતા. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓની સંખ્યા ઓછામાં ઓછી બે હતી.
કર્મચારીઓ જમવા માટે મેસમાં એકઠા થયા હતા
આતંકવાદીઓએ રાત્રે 8.30 કલાકે હુમલો કર્યો હતો. આ સમયે તમામ કર્મચારીઓ ભોજન લેવા માટે મેસમાં એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જ્યારે કર્મચારીઓ મેસમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે ત્રણ આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. કોઇ કંઇ સમજે તે પહેલા જ આતંકીઓ ઘટનાને અજામ આપીને ત્યાંથી ભાગી ગયા હતા. આતંકવાદીઓના ગોળીબારમાં બે વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
પરપ્રાંતિય કામદારો ફરી નિશાન બન્યા
આતંકવાદીઓએ ફરી એકવાર જાણીજોઈને પરપ્રાંતિય કામદારોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં માર્યા ગયેલા કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીઓ પણ અલગ-અલગ જગ્યાના હતા. જેમાંથી 3 બિહારના, એક મધ્યપ્રદેશના અને એક જમ્મુનો છે અને તેમાં એક સેફ્ટી મેનેજર અને મિકેનિકલ મેનેજરનો સમાવેશ થાય છે. મૃતક ડોક્ટર મધ્ય કાશ્મીરના બડગામનો રહેવાસી હતો.