હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બાદ બે રાજ્યો ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. આ બન્ને રાજ્યોની સાથે દેશના અલગ-અલગ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા મહારાષ્ટ્રની થઈ રહી છે. મહારાષ્ટ્રની ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની મહાયુતિ અને કોંગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) વચ્ચેની 'સત્તા યુદ્ધ' તરીકે ગણવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય પક્ષોના નેતૃત્વમાં મહાયુતિ અને MVA બન્ને શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનમાં છે. બે રાષ્ટ્રીય પક્ષો અને શિવસેના અને એનસીપીના બે-બે ગઠબંધનમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ શાસક જોડાણે ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે.
મહાયુતિમાં સામેલ પક્ષોએ 182 સીટો પર ઉમેદવારના નામ કર્યા જાહેર
મહાયુતિમાં સામેલ પક્ષોએ અત્યાર સુધીમાં 182 સીટો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે MVAમાં સીટ વહેંચણી અંગે મેરાથોન મંથન ચાલી રહ્યું છે. સીટ વહેંચણીની જે સંભવિત ફોર્મ્યુલા સામે આવી છે તેના આધારે હવે એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે, ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા આ લડાઈમાં કયો પક્ષ નફામાં હતો અને કોને નુકસાનમાં હતો?
2019ની ચૂંટણી બાદ બે પાર્ટીમાંથી બની 4 પાર્ટી
આ સમજવા માટે ચૂંટણી પરિણામોની સાથે 2019ની મહારાષ્ટ્ર ચૂંટણીની સીટોની વહેંચણી અને શિવસેના-એનસીપીમાં બળવા પછી બદલાયેલા સંજોગોમાં બેથી ચાર થઈ ગયેલી પાર્ટીઓની તાકાતની ચર્ચા કરવી જરૂરી છે.
2019માં ગઠબંધન અને સીટ વહેંચણીની પેટર્ન
મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં એક શિવસેના અને એક એનસીપી હતી. શિવસેના ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, જ્યારે એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. મહાયુતિની વાત કરીએ તો ભાજપે 164 સીટો પર અને શિવસેનાએ 126 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેનો અર્થ છે કે બે સીટો પર આ બન્ને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ લડાઈ હતી. જ્યારે વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસને 147 અને NCPને 121 સીટો મળી હતી. ત્યારે ભાજપ 105 સીટો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો અને શિવસેના 56 સીટો સાથે બીજા સ્થાને હતી. એનસીપીને 54, કોંગ્રેસને 44 સીટો મળી હતી.
કયા પક્ષની વર્તમાન તાકાત કેટલી છે?
મહારાષ્ટ્ર વિધાનસભાના વર્તમાન ચિત્રની વાત કરીએ તો ભાજપ પાસે 103, શિવસેના (શિંદે) 40, NCP (અજિત પવાર) 40 અને બહુજન વિકાસ આઘાડી પાસે ત્રણ ધારાસભ્યો છે. જ્યારે મહા વિકાસ આઘાડીની વાત કરીએ તો કોંગ્રેસના 43, શિવસેના (UBT)ના 15 અને NCP (શરદ પવાર)ના 13 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે બે ધારાસભ્યો છે, AIMIM પાસે બે, PJP પાસે બે, MNS, CPM, શેકાપ, સ્વાભિમાની પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, મહારાષ્ટ્ર જનસુરાજ શક્તિ પાર્ટી, ક્રાંતિકારી શેતકરી પાર્ટી પાસે એક-એક ધારાસભ્ય છે.
સંભવિત ફોર્મ્યુલામાં કોને ફાયદો અને કોને નુકસાન?
મહાયુતિમાં સીટોની વહેંચણીની સંભવિત ફોર્મ્યુલા અનુસાર ભાજપ 156 સીટો પર એકનાથ શિંદેની શિવસેના 78 થી 80 સીટો પર અને અજિત પવારની એનસીપી 53 થી 54 સીટો પર ચૂંટણી લડશે. શિંદેની પાર્ટી પાસે 40 ધારાસભ્યો છે અને અજિત પવારની પાર્ટી પાસે પણ 40 છે, જો આ રેશિયો જોઈએ તો શિવસેના ફાયદામાં છે અને એનસીપી નુકસાનમાં છે. રાજકીય ઉથલપાથલ બાદ બન્ને પક્ષો પોતાને અસલી પક્ષો ગણાવી રહ્યા છે. જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો 2019ની સરખામણીમાં બન્નેની સીટો ઘટી છે. જો આ સંભવિત ફોર્મ્યુલા ફાઈનલ રહેશે તો ભાજપ 2019 કરતા 10 ઓછી સીટો પર ચૂંટણી લડશે.
MVAમાં સીટ વહેંચણીના સંભવિત ફોર્મ્યુલા વિશે વાત કરીએ તો કોંગ્રેસ 104 થી 106 સીટો પર, શિવસેના (UBT) 92 થી 96 સીટો પર અને NCP (SP) 85 થી 88 સીટો પર ચૂંટણી લડતી જોવા મળી શકે છે. જો અંતિમ સીટ વહેંચણીમાં આ ફોર્મ્યુલા બદલાય છે, તો 2019 કરતાં ઓછી સીટો પર ચૂંટણી લડવા છતાં શિવસેના (UBT) એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી કરતા વધુ સીટો પર લડતી જોવા મળશે. NCP (શરદ પવાર) પણ અજિત પવારની પાર્ટીની સરખામણીમાં સીટોની સંખ્યાના સંદર્ભમાં ફાયદામાં હોવાનું જણાય છે.