યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને 53 MK 54 ટોરપિડો આપવા માટે સહમતિ આપી દીધી છે. આ અંગે કોંગ્રેસને પણ નોટિફિકેશન મોકલી દેવામાં આવ્યું છે. જો ડીલ ફાઈનલ થઈ જશે તો ઈન્ડિયન નેવીની તાકાતમાં વધારો થશે. આ ટોરપિડો દુશ્મનની સબમરીનને દરિયાના ઊંડાણમાં ડુબાડી શકે છે અને તેની કબર પણ ત્યાં જ બનાવી શકે છે.
રૂપિયા 1470 કરોડની છે આ ડિલ
આ માટે ભારતે અમેરિકાને કહ્યું હતું કે અમને ઘણા ટોરપિડોની જરૂર છે. જે બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે. આશરે રૂપિયા 1470 કરોડની આ ડીલમાં રિકવરેબલ એક્સરસાઇઝ ટોરપિડોઝ (REXTORP), એર લોન્ચ એક્સેસરીઝ, સ્પેરપાર્ટ્સ, ટોરપિડો કન્ટેનર, સપોર્ટ ટૂલ્સ અને ટ્રેનિંગનો પણ સમાવેશ થાય છે.
ચીન અને પાકિસ્તાન ધ્રુજવા લાગશે
ઉલ્લેખનીય છે કે ભારતે થોડા મહિના પહેલા નેવી માટે MH-60R રોમિયો સીહોક હેલિકોપ્ટર ખરીદ્યા હતા. આ હેલિકોપ્ટર ખાસ કરીને સબમરીન વિરોધી કામગીરી માટે જાણીતા છે. એટલે કે એન્ટી સબમરીન વોરફેયર. આવી સ્થિતિમાં આ ટોરપિડો આ હેલિકોપ્ટરની તાકાત વધારી દેશે. આ ટોરપિડોના સામેલ થવાથી ચીન અને પાકિસ્તાનની સબમરીન આસપાસ પણ ફરકશે નહીં.
જાણો ટોરપિડોની ખાસિયત
આ એક ટોરપિડોનું વજન 276 કિલો છે. તેની લંબાઈ 8.90 ફૂટ છે. તેનો વ્યાસ લગભગ એક ફૂટ જેટલો છે. તેમાં લગભગ 44 કિલો પ્લાસ્ટિક બોન્ડેડ વિસ્ફોટક PBXN-103 લગાવવામાં આવે છે. આ વિસ્ફોટક એટલો તગડો હોય છે કે તેની અસર પર 108 કિલો TNTના વિસ્ફોટ જેટલી જ અસર થાય છે.
આ ટોરપિડોની અંદર લિક્વિડ ફ્યુઅલ એન્જિન હોય છે, જે તેને પાણીની અંદર લગભગ 9 કિલોમીટર સુધી 74.1 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ આપે છે. તેની ગાઈડન્સ સિસ્ટમ એક્ટિવ અને પેસિવ એકોસ્ટિક સિસ્ટમ પર કામ કરે છે, એટલે દુશ્મનની સબમરીન બચી શકતી નથી.