- ઉત્તરકાશી ટનલ રેસક્યુને લઇને મહત્વનું અપડેટ
- હવે મેન્યુઅલ ડ્રિલિંગ પણ કરવાની તૈયારીઓ
- હાલ વર્ટીકલ ડ્રિલિંગ સહિત 4 ટીમો લાગી છે કામે
ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે દિવસ-રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ચાર પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વર્ટીકલ ડ્રિલિંગ 30 મીટર થઇ ગયુ હોવાનું જાણવા મળ્યુ છે. જો કે હવે તો ગમે ત્યારે મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવી શકે છે. કારણ કે ગમે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે પણ મૂળ ઉદ્દેશ્ય તો શ્રમિકોને બહાર હેમખેમ કાઢવાનો જ છે.
6 સભ્યોની ટીમ કરશે મેન્યુઅલ ડ્રિલિંગ
શ્રમિકોને બહાર કાઢવામાં હજુ બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. હાલમાં રાહત ટીમ વર્ટિકલ ડ્રિલિંગ કરી રહી છે. તો બીજી તરફ હવે મેન્યુઅલ ડ્રિલિંગ દ્વારા પર્વતને કાપીને કામદારોને બહાર કાઢવામાં આવશે. NHAIના વિશાલ ચૌહાણે કહ્યું કે મેન્યુઅલ ડ્રિલિંગ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. 6 સભ્યોની ટીમ હશે જે ત્રણના જૂથમાં કામ કરશે.
યુપીના શ્રમિકો એરલિફ્ટ કરાશે
આગામી ત્રણ દિવસમાં તમામ કામદારોને ટનલમાંથી બહાર કાઢવામાં આવી શકે તેવી અપેક્ષા છે. આ દરમિયાન યુપી સરકારના સંયોજક અરુણ કુમાર મિશ્રાએ કહ્યું છે કે યુપીના શ્રમિકોને સુરંગમાંથી બહાર આવતાની સાથે જ તેમને તરત જ એરલિફ્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુરંગમાં યુપીના 8 મજૂરો હાજર છે. તેમને ઘરે મોકલવાની જવાબદારી યુપી સરકારની છે.
ઉત્તરકાશીમાં વરસાદની શક્યતા
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વરસાદ પણ વિઘ્ન બની શકે છે. ઉત્તરકાશીમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાનની આગાહીને જોતા, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) સૈયદ અતા હસનૈને કહ્યું કે વરસાદની બચાવ કાર્ય પર વધુ અસર નહીં થાય. ટનલમાં ફસાયેલા તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.