બાબા મહાકાલના દર્શન માટે ભક્તો પડાપડી કરે છે. બાબાની એક ઝલક માત્ર જોવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહી જાય છે. તેમાં પણ ખાસ કરીને ભસ્મ આરતી માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ત્યારે હવે ભસ્મ આરતીમાં પ્રવેશ લેવા માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ભસ્મ આરતી માટે પ્રવેશ કરનારા લોકોએ રેડિયો ફ્રિક્વન્સી બેંડ લગાવવો અનિવાર્ય કરી દીધો છે.


સ્કેનિંગ બાદ જ મળશે પ્રવેશ

મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં પ્રવેશના નામે છેતરપિંડી રોકવા માટે મંદિર વ્યવસ્થાપને એક અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. મંદિર મેનેજમેન્ટે એવી વ્યવસ્થા કરી છે કે હવે કોઈ પણ અનધિકૃત વ્યક્તિ ભસ્મ આરતીમાં પ્રવેશ કરી શકશે નહીં. હવે ભસ્મ આરતીમાં ભાગ લેનારા ભક્તોએ હાથમાં બેન્ડ પહેરવાનું રહેશે. આ બેન્ડને મંદિરના ગેટ પર સ્કેન કરવામાં આવશે અને તે પછી જ તેમને અંદર પ્રવેશ મળશે.

1600 ભક્તોને અપાય છે પ્રવેશ

મંદિર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, હાલમાં દરરોજ લગભગ 1600 ભક્તો ભસ્મ આરતી માટે આવી રહ્યા છે. વળી તહેવારો દરમિયાન તો ભીડ નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં ભસ્મ આરતીમાં પ્રવેશતા પહેલા આ તમામ ભક્તોને RFID આપવામાં આવશે. આ સાથે તેમનો બાયોમેટ્રિક ડેટા પણ ઉપલબ્ધ થશે. મહત્વનું છે કે બાબા મહાકાલની ભસ્મ આરતી દરરોજ સવારે 4 વાગ્યે કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આ આરતીનો લ્હાવો લેવા ઉત્સુક હોય છે જો કે માત્ર 1600 ભક્તોને જ પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશના નામે છેતરપિંડી હવે નહી થાય

મહત્વનું છે કે ભસ્મ આરતી માટે ફેક એન્ટ્રી કૌભાંડો પ્રકાશમાં આવ્યા હતા. જેમાં ભકતો પાસેથી 8 થી 10 હજાર વસૂલીને નકલી પાસ આપવામાં આવતા હતા. જો કે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા મંદિર મેનેજમેન્ટે ભક્તોને જાગૃત કર્યા છે. આ સાથે જ હવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ભક્તોના કાંડા પર RFID હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે.

  • Follow us on: