અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે કૂદી પડવું અને બધો શ્રેય પોતે લેવો એ એક આદત હોવા સહિતના આકરા પ્રહારો જાણીતા ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાન ઉપર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન યુએસ પ્રમુખ ટ્રમ્પે 10 મેની સાંજે ટ્વિટ કર્યું હતું કે "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાતચીત પછી ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.” જોકે ટ્વિટ બાદ ઊભી થયેલી વૈશ્વિક ચર્ચામાં ભારતે યુદ્ધવિરામમાં કોઈપણ ત્રીજા દેશની સીધી સંડોવણીનો ઇનકાર કર્યો હતો.
કડવા અને સ્પષ્ટ શબ્દો બોલવા માટે અમેરિકાના જાણીતા ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે ટ્રમ્પની આદત છે કે તેઓ બાબતોમાં કૂદી પડે છે અને બીજા કોઈ ક્રેડિટ લે તે પહેલાં બધો શ્રેય પોતાના નામે લઈ લે છે. જોન બોલ્ટને કહ્યું કે, આ ભારત વિરુદ્ધ વ્યક્તિગત કંઈ નથી. બોલ્ટન ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર પણ કામ કરી ચૂક્યા છે. ટ્રમ્પ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભલે તે લાયક હોય કે ન હોય પણ કૂદી પડીને શ્રેય લેવાનું ચુકતા નથી. આનું તાજેતરનું ઉદાહરણ ટ્રમ્પનો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવાનો દાવો છે.
બોલ્ટન ટ્રમ્પના પહેલા કાર્યકાળના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકન વિદેશ નીતિને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા જોન બોલ્ટને કહ્યું કે, આ કોઈ વ્યક્તિગત હિતનો વિષય નથી. ટ્રમ્પની હકીકતોને ધ્યાનમાં લીધા વિના હેડલાઇન્સ મેળવવાની આદત પર ભાર મૂક્યો. બોલ્ટન ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. પરંતુ પછી ટ્રમ્પે બોલ્ટનને બરતરફ કર્યા. અમેરિકી અખબરોના અહેવાલો મુજબ, ઈરાન, ઉત્તર કોરિયા અને અફઘાનિસ્તાન અંગે અમેરિકન વિદેશ નીતિનું વલણ શું હોવું જોઈએ તે અંગે આ બે દિગ્ગજો વચ્ચે સંઘર્ષ હતો. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, જોન બોલ્ટને ટ્રમ્પના વ્યક્તિત્વ વિશે સમજાવ્યું, "મને લાગે છે કે તેમણે વડા પ્રધાન મોદી સાથે વાતચીત કરી હતી, અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને વિદેશ સચિવ માર્કો રુબિયો પણ વાતચીતમાં સામેલ હતા. મને ખાતરી છે કે અન્ય દેશો પણ તેઓ શું કરી શકે છે તે જોવા માટે વાત કરી રહ્યા છે. આ ટ્રમ્પનું લાક્ષણિક છે તે ભારત વિરુદ્ધ કંઈ નથી, કારણ કે ટ્રમ્પ ટ્રમ્પ છે."
પાકિસ્તાન ડીજીએમઓએ યુદ્ધવિરામની વિનંતી કરી હતી
ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. "મને લાગે છે કે મેં તેને વેપાર દ્વારા ઉકેલી લીધો છે. અમે ભારત સાથે મોટો વેપાર કરી રહ્યા છીએ. અમે પાકિસ્તાન સાથે મોટો વેપાર કરી રહ્યા છીએ." જોવાનું એ છે કે, જ્યારે ભારતે 9 મેના ઓપરેશન સિંદૂર દરમિયાન જવાબી હુમલામાં પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાન સેનાના ડીજીએમઓએ યુદ્ધવિરામની વિનંતી કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે, અમેરિકા સિવાય, ઘણા દેશો બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં સામેલ હતા. દરમિયાન, યુએસ પ્રમુખ ટ્રમ્પે 10 મેની સાંજે ટ્વિટ કર્યું હતું કે "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરાયેલી મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. જોકે ભારતે આ દાવો ફગાવ્યો હતો.