જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી હોતા તે લોકોના દિકરા દીકરીના લગ્ન ધામધૂમથી થઇ શકે તે માટે સરકાર તથા જે તે સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દીકરીઓને યથાયોગ્ય ભેટ આપવામાં આવે છે. ત્યારે યુપીના બસ્તી જિલ્લામાં સમૂહ લગ્ન દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી. મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ 514 ગરીબ દીકરીઓના લગ્ન યોજાયા. પરંતુ તેમાં પણ બાબુઓ ભ્રષ્ટાચાર કરવાનું ન ભૂલ્યા !
બસ્તીમાં યોજાયા હતા સમૂહ લગ્ન
514 ગરીબ દીકરીઓના સામૂહિક લગ્ન હતા. જેમાં દુલ્હન અને વરરાજાના પરિવારે આવેલી ભેટ સોગાત વિશે તપાસ કરી તો જાણવા મળ્યુ કે યોજના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી તમામ ભેટ નકલી હતી. નકલી ઝાંઝર, હલકી ગુણવત્તાની અને ટૂંકી સાડીઓ તથા રસોડાનો સામાન પણ હલકી ગુણવત્તાનો અને નકલી હતો. સ્થાનીય વિશ્વ હિંદુ મહાસંઘના સભ્યોએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો ખુલાસો કર્યો હતો.
નકલી ભેટ અપાઇ હોવાનો આરોપ
સંઘના જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ જણાવ્યું હતું કે, આ ગરીબ દીકરીઓને માન-સન્માન અને મદદ આપવાનો સરકારના હેતુ છે જે તેની સાથે વિભાગીય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ, સરકાર દરેક કન્યાને લગ્ન માટે રૂ. 51,000 અને ISI-માનક ભેટ આપે છે, જેમાં ઘરેણાં, કૂકર, મેકઅપની વસ્તુઓ અને સાડીનો સમાવેશ થાય છે. પરંતુ અહીં તો અધિકારીઓ દીકરીના હકનું ચાંઉ કરી ગયા.
વિશ્વ હિન્દુ મહાસંઘે આ કૌભાંડનો વિરોધ કર્યો હતો અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મામલાને ગંભીરતાથી લેતા જિલ્લા અધિકારી રવીશ કુમાર ગુપ્તાએ કહ્યું કે ફરિયાદોની તપાસ કરવામાં આવશે. ડીએમએ સમાજ કલ્યાણ અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
વિશ્વ હિન્દુ મહાસંઘે કર્યો વિરોધ
ઉલ્લેખનીય છે કે બસ્તીની સરકારી ઇન્ટર કોલેજના મેદાનમાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 જેટલા યુગલોના કાયદેસરના લગ્ન થયા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલા સામાનને નકલી ગણાવીને વિશ્વ હિન્દુ મહાસંઘના જિલ્લા પ્રમુખે જિલ્લા વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.