ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર સાથે કરેલી જડબેસલાખ યુદ્ધ કાર્યવાહી બાદ ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરમાં મોટું ઓપરેશન અને એન્કાઉન્ટર ચલાવી રહી છે. જેને ‘ઓપરેશન ત્રશી’ નામ આપવામાં આવ્યું છે.


અનંતનાગ, બારામુલ્લા, કિશ્તવાડથી પૂંછ સુધી મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બે આતંકી માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે પરંતુ હજુ સમર્થન મળ્યું નથી. હજુ પહેલગામ હુમલાના આતંકવાદીઓ પકડાયા નથી. કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ ત્રણથી ચાર આતંકવાદીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. આ એન્કાઉન્ટર કિશ્તવાડના સિંઘપોરા વિસ્તારના ચતરુમાં થઈ રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં ત્રણ મોટા એન્કાઉન્ટરમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે.

જૈશ-એ-મોહમ્મદનો એક કમાન્ડર પણ સામેલ હતો

ખાસ કરીને કિશ્તવાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને સેનાનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં ત્રાલ વિસ્તારના એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક કમાન્ડર પણ સામેલ હતો. સેનાના ઉત્તરી કમાન્ડ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ 2 પેરા એસએફ, આર્મી 11 આરઆર, 7મી આસામ રાઇફલ્સ અને કિશ્તવાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો આ ઓપરેશનમાં રોકાયેલી છે. ચતરુના શારી અને મંડ્રલના જંગલોમાં સર્ચ ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓનો સામનો થયો.

આતંકવાદીઓ સતત પોતાના ઠેકાણા બદલે છે

પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની શોધમાં સેના અને સુરક્ષા દળો જંગલોમાં પણ તપાસ કરી રહ્યા છે. આ આતંકવાદીઓ સતત પોતાના ઠેકાણા બદલી રહ્યા છે. આ હુમલામાં હાશિમ મુસા, આદિલ હુસૈન અને અલી ભાઈ નામના આતંકવાદીઓ સામેલ હતા. તેઓ જંગલોમાં અથવા ગુફાઓમાં છુપાયેલા છે. તેમને ઓવરગ્રાઉન્ડ કામદારો પાસેથી ખોરાક અને પાણીની મદદ મળી રહી છે.

કાશ્મીરમાં સોથી વધુ લોકોની ધરપકડ, 20 લાખનું ઈનામ જાહેર

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં સોથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદીઓને પકડવા માટે પ્રત્યેકને 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બારામુલા જિલ્લાના સોપોર અને પુલવામા જિલ્લાના અવંતિપોરામાં આતંકીઓના સહાયકો વિરુદ્ધ પણ કરવામાં આવી હતી 20 મેના પાકિસ્તાનના ચાર આતંકવાદી હેન્ડલરોની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સોપોરમાં ત્રણ અને અવંતીપોરામાં એક ઘર જપ્ત કરવામાં આવ્યું હતું. સોપોરમાં જે આતંકવાદીઓના ઘરો અને દુકાનો જપ્ત કરવામાં આવી છે તેમાં અર્શીદ અહેમદ ટેલી, ફિરદોસ અહેમદ ડાર અને નઝીર અહેમદ ડાર ઉર્ફે શબીર ઇલાહીનો સમાવેશ થાય છે.

  • Follow us on: