જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા સમગ્ર દેશમાં લોકો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ હુમલાને વખોડી નાખ્યો છે. તેમને સોશિયલ સાઈટ X પર લખ્યું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી છે. આ આતંકવાદી હુમલાથી તેઓ ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે. કોંગ્રેસ પાર્ટી આ હુમલાની સખત નિંદા કરે છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો દેશની અખંડિતતા અને એકતા પર કાયરતાપૂર્ણ હુમલો છે.


આ કોઈ રાજકારણનો સમય નથી: ખડગે

ખડગેએ લખ્યું કે તેમણે ગઈકાલે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલા અંગે આવતીકાલે ગુરુવારે સવારે 11 વાગ્યે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની કાર્યકારી સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ખડગેએ સ્પષ્ટપણે કહ્યું કે આ કોઈ રાજકારણનો સમય નથી. હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને ન્યાય અપાવવામાં આવશે.

આતંકવાદીઓને સણસણતો જવાબ આપવામાં આવે: ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમણે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને ત્યાંથી તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે પરત ફરે તેની પણ વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી છે. તેમણે આ અંગે ગૃહમંત્રી અમિત શાહને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઉનાળો હમણાં જ શરૂ થયો છે અને પ્રવાસીઓ આ સમયે ત્યાં જવાનું શરૂ કરે છે. આ જમ્મુ અને કાશ્મીરનું અર્થતંત્ર છે અને ત્યાંના લોકો માટે આવકનો સ્ત્રોત છે. આ આતંકવાદી હુમલાથી સ્થાનિક અર્થતંત્રને ભારે નુકસાન થશે. આવી સ્થિતિમાં ભારત સરકાર તેમને મદદ કરે તે મહત્વપૂર્ણ છે. આ ક્ષણે આપણે બધા એક છીએ. આપણે આતંકવાદીઓ સામે એક થઈશું. તેમણે કહ્યું કે આ હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠને સ્વીકારી છે અને આ સંગઠનને તેનો યોગ્ય વળતો જવાબ આપવો પડશે. અમે સરકારની સાથે છીએ. આતંકવાદીઓને શોધવા માટે સરકાર તમામ શક્તિનો ઉપયોગ કરે.

  • Follow us on: