- જોશીમઠનું નામ બદલવામાં આવ્યું
- નીમ કરૌલી બાબાની સમાધિ સ્થળનું નામ બદલાયુ
- કોશ્યાકુટોલી તાલુકાનું નામ બદલાયું
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં સ્થિત કોશ્યાકુટોલી તાલુકાને હવે કૈંચી ધામ તરીકે ઓળખાશે. આ તાલુકામાં બાબા નીમ કરૌલી મહારાજનું સમાધિ સ્થાન છે. જે કૈંચી ધામ તરીકે ઓળખાય છે. આ સિવાય જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મથ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત કૈંચી ધામના વિકાસ માટે તેને માનસખંડ મંદિરમાલા મિશનમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.
નામ બદલાયુ
ઉત્તરાખંડના જોશીમઠ અને કોશ્યાકુટોલી તાલુકાના લોકો છેલ્લા ઘણા સમયથી આ બંને સ્થળોના નામ બદલવાની માંગ કરી રહ્યા હતા. રાજ્ય સરકારના વડા પુષ્કર ધામીએ જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મથ કરવાની જાહેરાત કરી હતી. સામાન્ય ચૂંટણીના કારણે નામ બદલવાની દરખાસ્ત અટકી પડી હતી. આ પ્રસ્તાવમાં નૈનીતાલ જિલ્લાના કોશ્યાકુટોલી તાલુકાનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે.
મોદી સરકાર તરફથી લીલી ઝંડી મળી
તો આ પ્રસ્તાવને પીએમ મોદી સરકારે પણ લીલીઝંડી આપી છે. હવે જોશીમઠ જ્યોતિર્મથ તરીકે ઓળખાશે અને કોશ્યાકુટોલી તાલુકો કૈંચી ધામ તરીકે ઓળખાશે. બંને તાલુકાઓના નામ બદલવાને લઈને સ્થાનિકો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. લોકો લાંબા સમયથી આ જગ્યાઓના નામ બદલવાની માંગ કરી રહ્યા હતા.
નીમ કરૌલી બાબાનું સમાધિ સ્થળ
મહત્વનું છે કે નૈનિતાલ-અલ્મોડા માર્ગ પર ભવાલીની નજીક બાબા નીમ કરૌલી મહારાજનું સમાધિ સ્થળ છે જે કૈંચી નામથી ઓળખાય છે. કૈંચી ધામનો સ્થાપના દિવસ દર વર્ષે 15 જૂને ઉજવવામાં આવે છે. ગયા વર્ષ સ્થાપના દિવસના અવસર પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કોશ્યાકુટોલી તાલુકાનું નામ બદલીને કૈંચી ધામ કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષે તેમણે સ્થાપના દિવસના 2 દિવસ પહેલા પોતાનું વચન પાળ્યું છે.
આ વિદેશી હસ્તીઓ કૈંચી ધામ આવી ચૂક્યા છે
પહાડો અને વૃક્ષો વચ્ચે આવેલા આ પવિત્ર કૈંચી ધામ ઘણુ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. સૌથી વધારે તો અમેરિકાના શ્રદ્ધાળુઓ અહીં આસ્થા ધરાવે છે. કૈંચી ધામ પર સ્ટીવ જોબ્સ, ઝકરબર્ગ અને હોલિવૂડ સ્ટાર્સ જૂલિયા રોબર્ટ્સ સહિત વિદેશી સેલિબ્રિટીસ પણ દર્શન કરી ચૂક્યા છે.