પ્રખ્યાત અભિનેતા વિજયે રાજકારણમાં ઝંપલાવ્યુ છે. 2026માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. આ માટે તેમણે પોતાની પાર્ટી લોન્ચ કરી છે. પાર્ટીની એન્થમ, ફ્લેગ અને સિમ્બોલ પણ તૈયાર કર્યો છે. ત્યારે હવે પાર્ટીને ચૂંટણી પંચ તરફથી પણ લીલીઝંડી મળી ગઇ છે. થલપતિ વિજયે આ માહિતી આપી હતી.
ચૂંટણી પંચે કર્યુ રજિસ્ટર્ડ
ઉલ્લેખનીય છે કે થલપતિ વિજયે એક રાજકીય પક્ષ પણ બનાવ્યો છે. તેણે પોતાની પાર્ટીનું નામ તમિલગા વેત્રી કઝગમ (TVK) રાખ્યું છે. તાજેતરમાં તેમણે તેનો ધ્વજ અને ચૂંટણી ચિહ્ન બહાર પાડ્યા હતા.. હવે પક્ષના વડા વિજયે કહ્યું છે કે ભારતના ચૂંટણી પંચે સત્તાવાર રીતે તમિલગા વેત્રી કઝગમને રાજકીય પક્ષ તરીકે નોંધી લીધો છે. આ સાથે ચૂંટણી પંચે તેમના પક્ષને રજિસ્ટર્ડ રાજકીય પક્ષ તરીકે ચૂંટણીના રાજકારણમાં ભાગ લેવાની મંજૂરી આપી છે.
ન્યાયના માર્ગે ચાલશે
આ દરમિયાન તેમણે કહ્યું કે મારી પાર્ટી સામાજિક ન્યાયના માર્ગ પર ચાલશે. પાર્ટીનો ધ્વજ સૌથી ઉપર લાલ અને નીચે મરૂન છે જ્યારે મધ્ય ભાગનો રંગ પીળો છે, જેના પર બે હાથી અને વાગળનું ફૂલ બનેલું છે, જે વિજયનું પ્રતીક છે. TVK એ પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેનું સોન્ગ પણ લોન્ચ કર્યુ છે.
રાજનીતિ વ્યવસાય નહી પવિત્ર જનસેવા- વિજય
અગાઉ નિવેદન આપતા અભિનેતા વિજયે જણાવ્યું હતું કે રાજનીતિ કોઈ વ્યવસાય નથી પરંતુ પવિત્ર જનસેવા છે. 'તમિલગા વેત્રી કઝગમ'નો શાબ્દિક અર્થ 'તમિલનાડુ વિજય પાર્ટી' થાય છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાની જાતને લોકસેવાના રાજનીતિમાં સમર્પિત કરશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં આ પહેલા પણ ઘણા લોકો એક્ટિંગની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. તેમાંથી સૌથી અગ્રણી એમ.જી. રામચંદ્રન અને જે. જયલલિતાનો સમાવેશ થાય છે.
પૂરની સ્થિતિમાં કરી હતી મદદ
ઉલ્લેખનીય છે કે અભિનેતા વિજયની તમિલનાડુમાં મોટી ફેન ફોલોઈંગ છે. આ અભિનેતા ઘણીવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરતો પણ જોવા મળે છે. ડિસેમ્બર 2023 માં વિજયે થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લાના પૂર પ્રભાવિત રહેવાસીઓને મદદ કરી હતી. વિજયે કથિત રીતે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.