- લોકસભાની ચૂંટણીને લઇને નીતિન ગડકરીનું મહત્વનું નિવેદન
- ઇમાનદારીથી સેવા કરીશ, વિશ્વાસ રાખજો
- મહારાષ્ટ્રમાં આયોજીત કાર્યક્રમમાં જણાવ્યો ચૂંટણીનો એજન્ડા
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તે અગાઉ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને અત્યારથી જ તખ્તો તૈયાર કરવામાં લાગી ગયા છે. ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ લોકસભાની ચૂંટણીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે.
ચૂંટણીને લઇને ગડકરીનું મહત્વનું નિવેદન
શુક્રવારે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સિમેન્ટ કોંક્રિટથી બનેલા રસ્તાનું ઉદ્ઘાટન કરવાનું હતુ. જે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ સંબોધન દરમિયાન લોકસભાની ચૂંટણીને લઇને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મે વિચારી લીધુ છે કે આ લોકસભાની ચૂંટણીમાં બેનર કે પોસ્ટર નહી લગાવડાવું. ચા-પાણી પણ નહી કરાવુ. વોટ આપવો હોય તો આપો નહી તો ન આપો.
ઇમાનદારીથી સેવા કરીશ વિશ્વાસ રાખજો
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે તમને (મતદારોને) સામાન અને પાણી પણ નહીં મળે, લક્ષ્મીના (પૈસા) દર્શન નહી થાય. દેશી કે વિદેશી દારૂ મળી શકશે નહી, હું પૈસા ખાઈશ નહીં અને ખાવા પણ નહીં દઉં. પણ હું ઈમાનદારીથી તમારી સેવા કરીશ મારા પર વિશ્વાસ કરજો.
શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા મંત્રી
નીતિન ગડકરી હાલમાં નાગપુરથી સાંસદ છે. તેઓએ 2014 અને 2019માં જીત મેળવી હતી. નાગપુર ભલે RSSનું મુખ્યાલય હોય, પરંતુ 2014 પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. જોકે ગડકરીએ ભ્રમણા તોડીને બંને વખત ચૂંટણી જીતીને આ સીટ ભાજપના ફાળે લાવી હતી. નીતિન ગડકરીની ગણતરી મોદી સરકારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા મંત્રીઓમાં થાય છે. ગડકરી 2009 થી 2013 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા. તેઓ મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય સંભાળી રહ્યા છે. આ ઉપરાંત ગડકરી મહારાષ્ટ્ર સરકારમાં જાહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકે પણ ચર્ચામાં રહ્યા છે.
બેધડક નિવેદનો થકી રહે છે ચર્ચામાં
તમને જણાવી દઈએ કે નીતિન ગડકરી તેમના બેફામ નિવેદનો માટે જાણીતા છે. તેઓ પોતાના વિભાગને લગતા કામને લઈને સતર્ક રહે છે. તેઓ જાહેરમાં પણ કહે છે કે હું ગુણવત્તા સાથે બાંધછોડ કરતો નથી. સારી રીતે કામ કરવું જોઈએ. એટલું જ નહીં, ગડકરી કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતા પણ જોવા મળે છે. હાલમાં તેમણે વાશિમ આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું વાશિમ જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓને વિનંતી કરું છું. હું કોન્ટ્રાક્ટર પર દબાણ લાવી કામ કરાવીશ, પરંતુ મહેરબાની કરીને કોન્ટ્રાક્ટરને હેરાન કરશો નહીં. સાથે જ કોન્ટ્રાક્ટરોને ચેતવણી પણ આપી છે કે જો રસ્તો તૂટ્યો તો બુલ્ડોઝર ફેરવી દઇશ.