- તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા સીટ પર ચોંકાવનારા કિસ્સો
- કુડ્ડાલોર લોકસભા સીટ માટે પોપટે ભવિષ્યવાણી કરતા કાર્યવાહી
- પોપટે ભવિષ્યવાણી કરતા જ પોલીસે પક્ષી માલિકની કરી ધરપકડ
આગામી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તેવામાં તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા સીટ માટે પોપટે ભવિષ્યવાણી કરતા જ પોલીસે પક્ષી માલિકની ધરપકડ કરી લીધી છે.
કુડ્ડાલોરમાં ચોંકાવનારો કિસ્સો
મળતી માહિતી મુજબ તમિલનાડુની કુડ્ડાલોર લોકસભા મતવિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કુડ્ડાલોર સીટ પર ભવિષ્યવાણી કરનારા એક પોપટના માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ પોપટ લોકોને ભવિષ્ય બતાવતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પોપટે કુડ્ડાલોર લોકસભા સીટથી કોણ જીતશે એ અંગે ભવિષ્યવાણી કરી, ત્યારબાદ પોપટને કેદમાં રાખવાના આરોપ સર તેના માલિક સેલ્વરાજની ધરપકડ કરવામાં આવી છે.
ભવિષ્યવાણીના ખેલમાં પોપટ માલિક ફસાયો
લોકોનું ભવિષ્ય કહેતા આ પોપટે ચૂંટણી લડી રહેલા PMKના ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરી હતી. પોપટનો વીડિયો સામે આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને પક્ષીના માલિકની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે પોપટના માલિકને ચેતવણી આપ્યા બાદ છોડી મૂક્યો હતો. આ ચોંકાવનારા કિસ્સામાં પોપટને કેદમાં રાખવાનો માલિક પર આરોપ લાગ્યો છે. વન રેન્જર જે રમેશે દાવો કર્યો છે કે, પોપટને વન્યજીવ અધિનિયમ, 1972 હેઠળ 'અનુસૂચિત II પ્રજાતિ'માં વર્ગીકૃત કરાયેલો છે અને તેને કેદમાં રાખવો એક ગુનો છે.
શું છે વન્યજીવ અધિનિયમ નિયમ?
વન અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, સેલ્વરાજને ચેતવણી અને દંડ બાદ છોડી મૂકવામાં આવશે. 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. જ્યોતિષ સેલ્વરાજને એ વાતનો અંદાજ પણ ન હતો કે, રવિવારે જ્યારે તે અને તેનો સાથી પોપટ જીતની ભવિષ્યવાણી કરીને ચર્ચામાં આવ્યા તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. એવું પણ કહેવાય છે કે, આ પોપટે INDIA ગઠબંધનના હરિફ PMK ઉમેદવારના જીતવાની વાત પણ કરી હતી.