- કંગના રનોતની રાજકારણમાં એન્ટ્રી
- મંડી બેઠક કંગના માટે છે મહત્વની
- ટિકિટ મળ્યા બાદ કંગનાએ કહ્યું જનસેવક બનવા તત્પર છું
બોલિવૂડની બોલ્ડ એન્ડ બિન્દાસ અભિનેત્રી ગણાતી કંગના રનૌતની હવે રાજકારણમાં એન્ટ્રી થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં પોતાના ઘર પર બુલ્ડોઝર ફરી વળતા તે સમયની મહારાષ્ટ્ર સરકાર વચ્ચે જાણે કે જંગ છેડાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.આ મામલો વધુ ઉગ્ર બનતા તેણે સિક્યુરિટીની પણ માંગ કરી હતી. આ ઉપરાંત તે અવાર નવાર પોતાની પોસ્ટ અને નિવેદનમાં ભાજપની પ્રશંસા અને સમર્થન આપતી જોવા મળતી હતી. ત્યારે હવે ભાજપે હિમાચલની મંડી લોકસભા સીટ પર ટિકિટ આપી છે. ત્યારે આવો જાણીએ શું છે મંડીથી ટિકિટ આપવા પાછળનું શું છે કારણ ?
મંડી સીટ કંગના માટે કેમ છે ખાસ ?
મંડી સીટ કંગના રનૌત માટે ખાસ છે કારણ કે મંડી અભિનેત્રીનું જન્મસ્થળ છે. અભિનેત્રીનો જન્મ અહીં 23 માર્ચ, 1987ના રોજ થયો હતો. કંગનાનો ઉછેર ભાંભલાની પૈતૃક હવેલીમાં થયો હતો. જોકે અભિનેત્રીએ ખૂબ જ નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. અભિનેત્રી અભ્યાસ માટે ચંદીગઢ ગઈ હતી અને પછી 16 વર્ષની ઉંમરે ત્યાંથી મોડલિંગ કરતી વખતે મુંબઈ આવી ગઈ હતી. કંગનાએ તેની પહેલી ફિલ્મ ગેંગસ્ટર 19 વર્ષની ઉંમરે કરી હતી.
શું છે પરિવારની પોલિટિકલ હિસ્ટ્રી ?
કંગનાએ રાજકારણમાં આવવાનું વિચાર્યું તેના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ સાચું કારણ માત્ર કંગના રનૌતને જ ખબર હોવી જોઈએ. પરંતુ અભિનેત્રીનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો છે. હકીકતમાં, કંગના રનૌતના પરદાદા, સ્વર્ગસ્થ સરજુ રામ, મંડીના ગોપાલપુર વિધાનસભા મતવિસ્તાર (હવે સરકાઘાટ) ના કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમના દાદા IAS ઓફિસર હતા.
પરિવાર પણ ભાજપને આપે છે સમર્થન
કંગના રાજપૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન છે. તેની માતા આશા રનૌત એક સ્કૂલ ટીચર છે. જ્યારે કંગનાની મુંબઈ ઓફિસ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને તે પછી જ્યારે સરકારે કંગના રનૌતને વાય પ્લસ સુરક્ષા આપી હતી, ત્યારે તેની માતાએ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ભલે તેમનો પરિવાર અગાઉ કોંગ્રેસમાં હતો, પરંતુ હવે તેઓ ભાજપને સમર્થન આપે છે.
પાર્ટીએ કંગના પર મૂક્યો વિશ્વાસ
મંડી હિમાચલ પ્રદેશની સૌથી મોટી લોકસભા બેઠક છે. હિમાચલી બોલિવૂડ ગર્લ કંગના રનૌતને તેની ગ્લેમરસ ઇમેજ અને બીજેપી માટે સ્પષ્ટ સમર્થનને કારણે ટિકિટ મળવાની શક્યતા પહેલેથી જ હતી. પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુરને પણ મંડી સીટ પરથી ઉમેદવાર બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહી હતી. પાર્ટીએ આખરે કંગના પર વિશ્વાસ વ્યક્ત કર્યો . મહત્વનું છે કે હાલમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે.