- કથિત લીકર પોલિસી સ્કેમ મામલે કેજરીવાલની ધરપકડ
- અરવિંદ કેજરીવાલે સુપ્રિમ કોર્ટમાં અરજી પડકારી અને પરત પણ ખેંચી
- ઇડીના 6 દિવસના રિમાન્ડને આપી હતી મંજૂરી
કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ સામે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી હતી, પરંતુ સુનાવણી પહેલા જ અરજી પાછી ખેંચી લીધી હતી.
શનિવારે કરી હતી અરજી
અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં ધરપકડને પડકારી હતી. તેમણે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. પરંતુ હોળીની રજાઓને કારણે આવું થઈ શક્યું નથી. કેજરીવાલે તેમની અરજીમાં દલીલ કરી હતી કે તેમની ધરપકડ અને અટકાયત ગેરકાયદેસર છે અને તેઓ તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત થવાને પાત્ર છે. આ અરજી જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માની બેંચ સમક્ષ લિસ્ટ કરવામાં આવી છે.
28 માર્ચ સુધી કસ્ટડીમાં કેજરીવાલ
21 માર્ચે ધરપકડ કરાયેલા કેજરીવાલને શુક્રવારે નીચલી અદાલતે 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પહેલા 21 માર્ચે કેજરીવાલ ધરપકડ પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટના ઈનકારના થોડા કલાકો બાદ EDની ટીમ તેના નિવાસસ્થાને પહોંચી અને તેની ધરપકડ કરી લીધી.
કેજરીવાલને પાઠવ્યા 9 સમન્સ
EDએ કથિત દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે કેજરીવાલને નવ સમન્સ પાઠવ્યા છે. પરંતુ તેમણે તેને ગેરકાયદેસર અને રાજકીય પ્રેરિત ગણાવીને હાજર થવાનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલ પહેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરની પણ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.