• ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળી બેઠક
  • યુપીની 24 સીટો પર ઉમેદવારો કરાયા નક્કી
  • પીલીભીત બેઠકને લઇને સસ્પેન્સ પરથી ઉઠી શકે છે પડદો

પીએમ મોદીની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શનિવારે મળી હતી. આ બેઠકમાં યુપીની બાકી રહેલી 24 બેઠકો પર ઉમેદવારોના નામને લઇને ચર્ચા કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે, પરંતુ તે તબક્કાવાર જાહેર કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પહેલા તબક્કાની બાકીની ત્રણ સીટો પીલીભીત, મુરાદાબાદ અને સહારનપુર સીટના ઉમેદવારોની યાદી રવિવારે જાહેર થઈ શકે છે.

દોઢ કલાક ચાલી બેઠક

ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોડી સાંજે શરૂ થયેલી બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી, સંગઠન મહાસચિવ ધરમપાલ, બંને નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ 24 બેઠકોની યાદી એકસાથે જાહેર કરવાને બદલે તબક્કાવાર અથવા હોળી પછી જાહેર કરવામાં આવશે.

યુપીની 8 સીટ પર પહેલા તબક્કામાં મતદાન

તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં રાજ્યની કુલ 8 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. જેમાં સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીતનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પૈકી માત્ર પાંચ બેઠકો માટે ઉમેદવારો જાહેર થયા છે. જ્યારે પીલીભીત, સહારનપુર અને મુરાદાબાદ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના છે. સૂત્રોનું કહેવું છે કે સીઈસીની બેઠકમાં સૌથી વધુ ચર્ચા પીલીભીત સીટ માટે ઉમેદવાર નક્કી કરવાને લઈને થઇ હતી. વરુણ ગાંધી અહીંથી સાંસદ છે અને તેમની ટિકિટ કાપીને નવા ચહેરાને મેદાનમાં ઉતારવાની ચર્ચા છે.


  • Follow us on: