પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વર્ષ 2024માં ત્રણ વખત મુંબઈ ગઇ હતી. અને ત્યાંના ફોટો તથા વીડિયો તેના કેમેરામાં કંડાર્યા હતા. તેમણે પોતાના મોબાઇલ ફોન અને લેપટોપનો ઉપયોગ કરીને મુંબઈના રેલ્વે સ્ટેશનો, મુખ્ય રસ્તાઓ, ભીડભાડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોના વિગતવાર વિડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ્સ બનાવ્યા હતા.
પોલીસ તપાસમાં નવા ખુલાસા
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ એજન્સીઓ અનુસાર જ્યોતિ મલ્હોત્રાએ જુલાઈ અને સપ્ટેમ્બર 2024ની વચ્ચે મુંબઈની ઓછામાં ઓછી ત્રણવાર યાત્રાઓ કરી હતી. આ સમય દરમિયાન તેણે શહેરના ઘણા સંવેદનશીલ સ્થળોના વીડિયો અને ફોટોગ્રાફ્સ રેકોર્ડ કર્યા હતા. ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેણે મુંબઈના રેલ્વે સ્ટેશનો, મુખ્ય રસ્તાઓ, ભીડભાડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોના વિગતવાર વિડિયો રેકોર્ડિંગ અને ફોટોગ્રાફ્સ લેવા માટે પોતાના મોબાઇલ ફોન અને લેપટોપનો ઉપયોગ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ડેટા સંભવિત રીતે કોઈ દુશ્મન દેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોઈ શકે છે. જ્યોતિએ મુંબઈની પહેલી મુલાકાત જુલાઈ 2024માં લીધી હતી. તે લક્ઝરી બસમાં રોડ માર્ગે મુંબઈ પહોંચી હતી. તે થોડા દિવસ મુંબઈમાં રોકાઇ પણ હતી.
ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ
તપાસકર્તાઓને તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કર્યા પછી આ માહિતી મળી. જ્યોતિ મલ્હોત્રાએ ઓગસ્ટ 2024માં મુંબઈની બીજી મુલાકાત લીધી. તે અમદાવાદથી કર્ણાવતી એક્સપ્રેસ દ્વારા મુંબઈ પહોંચી. આ સમય દરમિયાન, તેમણે ટ્રેનની મુસાફરી દરમિયાન મુખ્ય સ્ટેશનો અને રૂટનું વિડિયો રેકોર્ડિંગ કર્યુ હતુ. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણીએ મુંબઈના કયા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં તે ક્યાં રોકાઈ હતી. જ્યોતિ મલ્હોત્રાએ સપ્ટેમ્બર 2024 માં મુંબઈની ત્રીજી મુલાકાત લીધી.
શું ISIને ફોટા અને વીડિયો મોકલવામાં આવ્યા ?
આ વખતે તે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી12138 પંજાબ મેલમાં બેસીને મુંબઈ પહોંચી. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી જગ્યાએ રેકોર્ડિંગ પણ કર્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મલ્હોત્રા ગણેશ ઉત્સવ દરમિયાન 'ગણેશ ગલી' સ્થિત પ્રખ્યાત ગણેશ પંડાલોમાંના એક 'લાલબાગચા રાજા' ની મુલાકાત લેવાના બહાને શહેરમાં આવી હતી. હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેણે અહીં ભીડ, પ્રવેશ-બહાર નીકળવાના સ્થળો અને આસપાસના માળખાંનો વિગતવાર વીડિયો રેકોર્ડ કર્યુ હતુ. જેના કારણે કોઇ ઘટનાને અંજામ આપી શકાય. પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે, જ્યોતિએ લીધેલા વીડિયો અને ફોટો શું તેણે દુશ્મન દેશને આપ્યા છે. જો આપ્યા હશે તો પોલીસ માટે એક પડકાર બનશે. કારણે આગામી સમયમાં દેશમાં તહેવારોની મૌસમ શરુ થઇ છે.