ભારતને આજે વધુ એક ઐતિહાસિક ભેટ મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આજે ​​06 જૂનના રોજ પીએમ મોદીએ ચેનાબ નદી પર બનેલા રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ચિનાબ રેલ બ્રિજ ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વનો સૌથી ઊંચો 1,315 મીટર લાંબો રેલ્વે બ્રિજ છે. તેના પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડી શકશે. આ બ્રિજ વાવાઝોડા અને ભૂકંપનો સામનો કરવા પણ સક્ષમ છે. ચિનાબ બ્રિજ સિવાય ભારતમાં અન્ય બ્રિજ પણ છે જેના નામ પર રેકોર્ડ છે. આવો જાણીએ ભારતમાં એવા કયા બ્રિજ છે જે અદ્બૂત અને ઐતિહાસિક છે.


મુંબઈ : બાંદ્રા-વરલી સી લિંક બ્રિજ

મુંબઈ મોહમયી નગરી કહેવાય છે. બોલીવુડના અનેક સ્ટાર ત્યાં રહેતા હોવાથી લોકો માટે હંમેશા મુંબઈ શહેર માટે આકર્ષણ રહે છે. એક રીતે મુંબઈ દેશની આર્થિક રાજધાની પણ કહેવાય છે. મુંબઈમાં આવેલ બાંદ્રા-વરલી સી લિંક બ્રિજ ભારતમાં એન્જિનિયરિંગના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનો એક છે. ગીચ વસ્તી ધરાવતા મુંબઈગરાઓ માટે આ બ્રિજ આર્શીવાદ બન્યો છે. આ બ્રિજથી કલાકોની સફર ફક્ત મિનિટમાં પૂરી થાય છે. આ પુલ ૫.૬ કિમી લાંબો આ બ્રિજ ૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. જો કે આ બ્રિજ પર સુરક્ષાકારણોસર રાહદારીઓ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો પર પ્રતિબંધ છે.

રામેશ્વરમ : પંબન બ્રિજ

પંબન બ્રિજ ભારતનો સૌ પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે. આ બ્રિજના કારણે રામેશ્વર જવું વધુ સરળ બન્યું છે. જૂના પુલની જગ્યાએ એક નવો પંબન રેલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. નવો પંબન બ્રિજ 2.08 કિલોમીટર લાંબો છે. તેના 100 કમાનો સમુદ્ર પાર કરીને બનાવવામાં આવ્યા છે. આમાંથી 99 કમાનો 18.3 મીટર ઊંચા છે. દરિયાકિનારાની ઉપર આ બ્રિજની મુસાફરી કરવામાં લોકોને અદભૂત અનુભવ થાય છે. આ બ્રિજની ખાસિયત છે કે જ્યારે પણ કોઈ મોટા જહાજને ત્યાંથી પસાર થવું હોય તો તેને વર્ટિકલ લિફ્ટ સ્પાન દ્વારા વચ્ચેથી ઉપાડીને સરળતાથી જહાજને રસ્તો આપી શકાય છે.

કોલકાતા : હાવડા બ્રિજ

કોલકાતાની ઓળખ જ હાવડા બ્રિજથી થાય છે. અંગ્રેજોના સમયનો આ બ્રિજ આજે પણ અડીખમ છે. આ બ્રિજની કુલ લંબાઈ 705 મીટર, પહોળાઈ 21.6 મીટર અને ઊંચાઈ 82 મીટર છે. આ બ્રિજની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એક પણ નટ-બોલ્ટ નથી. હુગલી નદી પર બનેલો હોવાથી આ બ્રિજ હાવડા બ્રિજ તરીકે ઓળખાય છે, જેનું સાચું નામ રવિન્દ્ર સેતુ છે. 1936માં અંગ્રેજો દ્વારા આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને 1942માં બ્રિજનું કાર્ય પૂર્ણ થયું હતું. કોઈપણ ઔપચારિક ઉદ્ઘાટન વિના 1943માં આ પુલને જનતા માટે ખુલ્લો મૂક્યો.


  • Follow us on: