- ગુજરાત અને કર્ણાટકમાં નોંધાયા સૌથી વધુ કેસ
- 4400થી વધુ લોકો સાથે ટ્રાફિક મેમોના નામે ઠગાઈ
- 16 લાખ રૂપિયાથી વધુ રકમ કમાયા હેકર્સ
ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ વધુને વધુ સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. તાજેતરનો મામલો Maorisbot માલવેરનો છે, જે નકલી ટ્રાફિક મેમોના નામે લોકોની અંગત અને મહત્વપૂર્ણ માહિતી એકઠી કરીને દુરુપયોગ કરી રહ્યો છે.જો તમને પણ વોટ્સએપ પર ટ્રાફિક સંબંધિત મેમો આવે છે તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. શક્ય છે કે આ ફેકમેસેજથી તમને મોટું નુકસાન થાય.
એપ ડાઉનલોડ થતાં જ ચોરાઈ જશે ડેટા
એક માહિતિ અનુસાર દેશભરમાંથી સાયબર છેતરપિંડીના આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં Android વપરાશકર્તાઓને WhatsApp પર નકલી ટ્રાફિક મેમોના મેસેજ મળી રહ્યા છે. આ મેસેજમાં યુઝર્સને એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે, એપ ડાઉનલોડ થતાંની સાથે જ હેકર્સ એપ દ્વારા તમારી ખાસ અને મહત્વપૂર્ણ માહિતી ચોરી લે છે.
Maorisbot માલવેર કેવી રીતે કામ કરે છે?
રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા યુઝરને તેના વોટ્સએપ પર નકલી ટ્રાફિક મેમોનો મેસેજ મળે છે. ચિંતાની વાત એ છે કે આ મેમો કર્ણાટક પોલીસના ટ્રાફિક મેમો જેવું લાગે છે. મેસેજમાં યુઝરને રૂપિયા ભરવા માટે એક એપ ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે છે. ઇન્સ્ટોલેશન પછી એપ્લિકેશન હોમ સ્ક્રીન પર દેખાતી નથી. આ પછી એપ યુઝર પાસેથી ઘણી પરમિશન માંગે છે. પરવાનગી મળ્યા પછી હાજર કોન્ટેક્ટ નંબર, મેસેજ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ અને અંગત માહિતીની ચોરી કરે છે. વપરાશકર્તાઓનો આ ડેટા ટેલિગ્રામ બોટને મોકલવામાં આવે છે, જે હેકર્સ દ્વારા નિયંત્રિત છે. ડેટા ચોરી કર્યા બાદ હેકર્સ OTPને ઇન્ટરસેપ્ટ કરીને અનધિકૃત ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે.
હેકર્સે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે
અહેવાલ મુજબ, ગુજરાત અને કર્ણાટકમાંથી માઓરીસબોટ માલવેરના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં નોંધનીય બાબત એ છે કે સાયબર ફ્રોડનો ભોગ બનેલા મોટાભાગના લોકો Jio અને Airtel સિમનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ માલવેર 4,400 થી વધુ ઉપકરણોમાં જોવા મળ્યો છે. સાયબર ઠગ 16 લાખથી વધુની રકમ ઉઠાવી ચૂક્યા છે. ઓનલાઈન લોકોને છેતરવાની આ એક નવી રીત છે.
આ Maorisbot માલવેરથી કેવી રીતે બચવું?
- આવા સાયબર ખતરાથી બચવા માટે કોઈ અજાણી એપ ઇન્સ્ટોલ કરશો નહીં.
- જો તમે પ્લે સ્ટોર પરથી કોઈપણ એપ ઈન્સ્ટોલ કરો છો, તો ઈન્સ્ટોલેશન પછી પરમિશન આપતી વખતે ખાસ ધ્યાન રાખો.
- એપને પરમિશન આપ્યા પછી જ છેતરપિંડીનો આખો પ્લાન શરૂ થઈ જાય છે.
- આ સિવાય હંમેશા પ્લે સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
- ફોન અને એપ લેટેસ્ટ સિક્યોરિટી પેચ સાથે અપડેટ થયેલ છે કે નહીં તેના પર પણ ધ્યાન આપો.
- આ ઉપરાંત વપરાશકર્તાઓએ પોતે પણ સાયબર છેતરપિંડીના કેસ વિશે અપડેટ રહેવું જોઈએ.