ઘણા લોકો ઘર કરતા બેંક લોકરને વધુ સુરક્ષિત માનીને પોતાના જીવનભરની કમાણી અને દાગીના ત્યાં મૂકે છે. પરંતુ તાજેતરમાં દિલ્હીની પંજાબ નેશનલ બેંકમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે, જ્યાં એક મહિલાના લોકરમાંથી દાગીના ગાયબ થઈ ગયા. આ ઘટના બાદ સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર બેંક લોકર સુરક્ષિત છે? અને જો વસ્તુઓ ચોરાઈ જાય, તો શું બેંક તેની જવાબદારી લેશે?
RBI ના કડક નિયમો, બેંક હવે હાથ ઊંચા નહીં કરી શકે
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોના હિતમાં નિયમોમાં ફેરફાર કર્યા છે. અગાઉ બેંકો કરારની જટિલ શરતો બતાવીને જવાબદારીમાંથી છટકી જતી હતી, પરંતુ હવે એવું નહીં ચાલે. જો બેંકની બેદરકારીને કારણે (જેમ કે આગ, ચોરી, લૂંટ કે બિલ્ડિંગ ધરાશાયી થવું) લોકરની વસ્તુઓને નુકસાન થાય, તો બેંક વળતર ચૂકવવા બંધાયેલી છે.
વળતરનું ગણિત: શું તમને પૂરેપૂરી રકમ મળશે?
અહીં એક મોટો 'કેચ' છે. બેંકને ખબર નથી હોતી કે તમે લોકરમાં શું રાખ્યું છે, કારણ કે લોકરની સામગ્રી જાહેર કરવી ફરજિયાત નથી. તેથી, RBI એ વળતરની મર્યાદા નક્કી કરી છે. નિયમ મુજબ, બેંક લોકરના વાર્ષિક ભાડાના મહત્તમ 100 ગણા સુધી જ વળતર આપશે.
ઉદાહરણ તરીકે: જો તમારા લોકરનું વાર્ષિક ભાડું ₹5,000 છે, તો ચોરી કે નુકસાનના કિસ્સામાં બેંક વધુમાં વધુ ₹5 લાખ જ આપશે, ભલે તમારા દાગીના ₹50 લાખના હોય!
કઈ પરિસ્થિતિમાં બેંક જવાબદાર નથી?
ગ્રાહકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કુદરતી આફતો જેમ કે ભૂકંપ કે પૂરને કારણે જો લોકરને નુકસાન થાય, તો બેંક કોઈ વળતર આપવા માટે જવાબદાર નથી. આ કિસ્સામાં સંપૂર્ણ નુકસાન ગ્રાહકે ભોગવવું પડશે.
શું રાખવું અને શું ન રાખવું?
લોકરમાં તમે માત્ર ઘરેણાં, જમીનના દસ્તાવેજો કે કાયદેસરની કિંમતી વસ્તુઓ રાખી શકો છો. રોકડ (કેશ), હથિયારો, વિદેશી ચલણ કે નશીલા પદાર્થો રાખવા પર સખત પ્રતિબંધ છે. લોકર ચલાવવાનો અધિકાર માત્ર ધારકનો છે, પરંતુ નોમિનીની સુવિધા રાખવી અનિવાર્ય છે જેથી અણધારી ઘટનામાં વારસદારને વસ્તુઓ મળી શકે.
આ પણ વાંચોઃ એક તરફ ચાલી રહી છે AI AI ઇમ્પેક્ટ સમિટ, તો બીજી તરફ એલોન મસ્ક અને સત્ય નડેલા વચ્ચે થયો મોટો AI સોદો