દુબઈની શાન ગણાતી બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે. 828 મીટર કરતાં વધુ ઊંચાઈ અને 163 માળ ધરાવતી આ ગગનચુંબી ઈમારતને જોઈને અવારનવાર લોકોના મનમાં સવાલ થાય છે કે આટલી ઊંચાઈ પર પાણી કેવી રીતે પહોંચતું હશે? શું કોઈ એક જ પંપ આખી ઈમારતમાં પાણી ચઢાવે છે કે પછી તેની પાછળ કોઈ ખાસ ટેકનોલોજી કામ કરે છે? વાસ્તવમાં, આટલી ઊંચી ઈમારતમાં એક જ પંપથી સીધું પાણી મોકલવું અશક્ય અને જોખમી છે, કારણ કે વધુ પડતા પ્રેશરથી પાઇપો ફાટી શકે છે.
બુર્જ ખલીફાને દરરોજ આશરે 1,000 ક્યુબિક મીટર એટલે કે અંદાજે 2.5 લાખ ગેલોન પાણીની જરૂર પડે છે. આ પાણી દુબઈના ડીસેલિનેશન પ્લાન્ટ્સમાંથી આવે છે, જ્યાં દરિયાના ખારા પાણીને શુદ્ધ કરીને પીવાલાયક બનાવાય છે.
એક નહીં, અનેક સ્ટેજમાં ઉપર ચઢે છે પાણી
આ અદભુત એન્જિનિયરિંગ પાછળ અમેરિકાની પ્રખ્યાત વોટર ટેકનોલોજી કંપની 'Xylem Inc.' નું મગજ છે. 'Xylem' નામ વનસ્પતિના એ પેશી (tissue) પરથી લેવાયું છે જે મૂળમાંથી પાણીને પાંદડા સુધી પહોંચાડે છે. બુર્જ ખલીફામાં પાણી પહોંચાડવા માટે 'મલ્ટી-સ્ટેજ બૂસ્ટર પંપિંગ સિસ્ટમ' નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સૌથી પહેલા બેઝમેન્ટમાં લાગેલા શક્તિશાળી પંપ પાણીને એક ચોક્કસ ઊંચાઈ પર બનેલી મોટી ટાંકીઓ સુધી પહોંચાડે છે. ત્યારપછી ત્યાં લાગેલા બીજા પંપ તે પાણીને તેનાથી ઉપરના માળે બનેલી ટાંકીઓમાં મોકલે છે. આ રીતે અલગ-અલગ તબક્કામાં પાણી ધીમે-ધીમે છેક ઉપર સુધી પહોંચે છે.
ઈમારતની અંદર બનેલા છે વોટર સ્ટેશન્સ
આ સિસ્ટમને ચલાવવા માટે બુર્જ ખલીફામાં 7 ખાસ મેકેનિકલ ફ્લોર (ટેકનિકલ માળ) બનાવવામાં આવ્યા છે. આ માળ સામાન્ય રહેણાંક માટે નથી હોતા, પરંતુ ત્યાં મોટા વોટર ટેન્ક અને પંપિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. દર 20 થી 30 માળ પછી આવા ટેકનિકલ લેવલ છે, જે પાણીને આગળના ભાગ સુધી ધકેલે છે.
ગ્રેવિટી અને એસીના પાણીનો અનોખો ઉપયોગ
જ્યારે પાણી ઊંચા ટેન્ક સુધી પહોંચી જાય છે, ત્યારે ત્યાંથી નીચેના માળમાં પાણી પહોંચાડવાનું કામ ગુરુત્વાકર્ષણ બળ (Gravity) ની મદદથી થાય છે. પાણીનું પ્રેશર જાળવી રાખવા માટે પ્રેશર રીડ્યુસિંગ વાલ્વ પણ લગાવવામાં આવ્યા છે. આ સિવાય, ઈમારતના એસી (AC) સિસ્ટમમાંથી નીકળતા લાખો ગેલોન કન્ડેન્સેટ પાણીને પણ ફેંકવાને બદલે એકઠું કરીને ગાર્ડનિંગ (લેન્ડસ્કેપિંગ) માં વાપરવામાં આવે છે. આ આખી સિસ્ટમ માટે ઈમારતની અંદર 100 કિલોમીટરથી વધુ લાંબી પાઇપલાઇનનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Pakistanમાં દર 10માંથી 3 લોકો ગરીબ,શિક્ષણ બજેટ ઐતિહાસિક નીચલી સપાટીએ