પાકિસ્તાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આર્થિક સર્વેક્ષણ (Economic Survey 2025-26) માં દેશની કથળતી આર્થિક અને સામાજિક સ્થિતિનો અત્યંત ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. આ સત્તાવાર અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં ગરીબી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને હવે દેશમાં દર 10માંથી આશરે 3 લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. વર્ષ 2018-19માં પાકિસ્તાનમાં ગરીબીનો દર 21.9% હતો, જે વર્ષ 2024-25માં અચાનક વધીને28.9% પર પહોંચી ગયો છે. આ આંકડો દર્શાવે છે કે આર્થિક સંકટના કારણે લાખો પરિવારો ફરીથી ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગયા છે.
મોંઘવારી અને અસમાનતા મુખ્ય કારણો
સરકારી સર્વેમાં સ્વીકારવામાં આવ્યું છે કે સતત વધતી જતી મોંઘવારી, ગંભીર આર્થિક કટોકટી અને આવકની અસમાનતા આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે. પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થો, વીજળી, બળતણ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય લોકોની ખરીદશક્તિ સાવ નહિવત થઈ ગઈ છે. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ગરીબી હવે માત્ર ગ્રામીણ વિસ્તારો પૂરતી સીમિત નથી રહી, પરંતુ શહેરોમાં પણ લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત પહોળી થઈ રહી છે. આ ઉપરાંત, જો મધ્ય પૂર્વ (Middle East) માં કોઈ નવું સંકટ ઊભું થશે, તો વિદેશથી આવતા નાણાં (Remittance) પર અસર પડશે, જે પાકિસ્તાની પરિવારોની મુશ્કેલીઓ વધુ વધારશે.













