પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદમાંથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર ઉડાન ભર્યાની થોડી જ વારમાં ભયાનક રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ ૨૧ સૈન્યકર્મીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતે પાકિસ્તાનની સૈન્ય વ્યવસ્થા અને વિમાન સુરક્ષા પ્રોટોકોલ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે.
ઉડાન ભરતા જ સર્જાઈ ટેકનિકલ ખામી
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ આર્મી હેલિકોપ્ટર સૈનિકોને લઈને નીલમ વેલી સેક્ટર તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાનમાં કોઈ મોટી તકનીકી સમસ્યા સર્જાઈ હતી. પાયલોટે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને હેલિકોપ્ટરનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવવા માટે આખરી સમય સુધી ભારે પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો અને હેલિકોપ્ટર જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયું હતું.
તમામ ૨૧ સૈન્યકર્મીઓના મોત
દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પાકિસ્તાની આર્મીની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, અકસ્માત એટલો ભયાનક હતો કે હેલિકોપ્ટરનો કાટમાળ વિખરાઈ ગયો હતો અને અંદર સવાર કોઈપણ વ્યક્તિ જીવતો બચી શક્યો નહોતો. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR દ્વારા પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોએ જીવ ગુમાવ્યો છે.
તપાસના આદેશ
પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ આસિમ મુનીર સહિતના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતક જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. હાલમાં અકસ્માત વાળા વિસ્તારને સેનાએ કિલ્લામાં ફેરવી દઈને સુરક્ષા ઘેરામાં લઈ લીધો છે. હેલિકોપ્ટરમાં કઈ ખામી સર્જાઈ હતી તેની વિગતવાર તપાસ કરવા માટે સેના દ્વારા એક 'સ્પેશિયલ બોર્ડ ઓફ ઈન્ક્વાયરી' ની રચના કરવામાં આવી છે. સામાન્ય રીતે Mi-17 ને ખૂબ જ વિશ્વસનીય હેલિકોપ્ટર માનવામાં આવે છે, તેથી ખરાબ જાળવણી કે અન્ય ટેકનિકલ બેદરકારી અંગે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:Global Peace Indexમાં ભારત સૌથી આગળ, અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, ઇરાનને મુક્યા પાછળ