GST દરોમાં ભારત સરકાર મોટો ઘટાડો કરીને સામાન્ય માણસને મોટી રાહત આપવા જઈ રહી છે. GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે GST કાઉન્સિલે ટેક્સ સ્લેબને સરળ બનાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં GSTના ચાર મુખ્ય દર છે, 5%, 12%, 18% અને 28%, આ સાથે, કેટલીક ખાસ વસ્તુઓ પર વધારાનો સેસ પણ વસૂલવામાં આવે છે. પરંતુ હવે સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે આ દરો ઘટાડીને ફક્ત બે મુખ્ય સ્લેબ, 5% અને 18% કરવા જોઈએ. 22 સપ્ટેમ્બરથી GST કાઉન્સિલના તમામ નિર્ણયો લાગુ કરવામાં આવશે.
રોજિંદા વસ્તુઓ સસ્તી થશે
15 ઓગસ્ટ 2025 ના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST માં મોટા સુધારાની જાહેરાત કરી હતી. તેમણે તેને ' દિવાળી બોનાન્ઝા' ગણાવ્યું હતું. ત્યારબાદ નાણા મંત્રાલયે કાઉન્સિલને ટેક્સ સ્લેબમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. GST સ્લેબમાં ફેરફાર પછી, સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં વપરાતી ઘણી વસ્તુઓ હવે સસ્તી થશે.
કઈ વસ્તુઓ સસ્તી થશે?
નવા ફેરફારો મુજબ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, નાની કાર અને સિમેન્ટ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થઈ શકે છે. ફ્રીઝર, ટીવી, વોશિંગ મશીન અને 1200 સીસી સુધીની કાર હવે 18 ટકા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવશે જે પહેલા 28 ટકાના સ્લેબમાં હતા. જેનો અર્થ એ થયો કે વાહનોના ભાવ પણ ઘટશે.
કઈ વસ્તુઓ પર કર નહીં લાગે?
સરકારે રોટલી, પરાઠા, ડેરી ઉત્પાદનો અને ખાનગી વીમા પરનો GST દૂર કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે તમાકુ, ગુટખા, સિગારેટ અને દારૂ જેવી પાપી વસ્તુઓ પર હવે 40 ટકા સુધીનો કર લાગશે. આનો ઉદ્દેશ્ય આ વસ્તુઓના વપરાશને નિયંત્રિત કરવામાં તેમજ સરકારી આવક વધારવામાં મદદ કરશે.
સરકારી આવક પર અસર
એક અંદાજ મુજબ, વર્તમાન GST માળખામાં, 65% આવક 18% સ્લેબમાંથી, 28% સ્લેબમાંથી 11%, 12% સ્લેબમાંથી 5% અને 5% સ્લેબમાંથી 7% આવે છે. જો 12% અને 28% સ્લેબમાં મોટાભાગની વસ્તુઓને 5% અને 18% સ્લેબમાં લાવવામાં આવે તો સરકારને દર વર્ષે લગભગ 1.1 થી 1.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. પરંતુ એ પણ સાચું છે કે કરમાં ઘટાડાને કારણે વસ્તુઓ સસ્તી થશે, જેના કારણે લોકો વધુ ખરીદી કરશે. આનાથી વપરાશ વધશે અને કરનો વ્યાપ પણ વધશે, કારણ કે વધુ લોકો અને વ્યવસાયો GSTના દાયરામાં આવશે. આનાથી સરકારી આવકમાં થયેલા નુકસાનને અમુક અંશે ભરપાઈ કરી શકાય છે. ઉપરાંત, પાપી વસ્તુઓ પર 40% ના નવા દરથી પણ થોડી વધારાની આવક થશે.