તમિલનાડુની રાજનીતિમાં આ વખતના વિધાનસભા ચૂંટણીમાં એવો બદલાવ જોવા મળ્યો છે, જેણે દાયકાઓ જૂની રાજકીય પરંપરાઓને તોડી નાખી છે. લાંબા સમયથી રાજ્યની સત્તા ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) વચ્ચે જ ફરતી રહી હતી, પરંતુ આ વખતે સાઉથ સિનેમાના સુપરસ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખરે પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ સાથે આ સમીકરણને પૂરી રીતે બદલી નાખ્યું છે. ચૂંટણી પહેલા જ્યારે વિજયે રાજનીતિમાં ઉતરવાની અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ માત્ર એક ફિલ્મ સ્ટારની એન્ટ્રી નથી, પરંતુ એક મોટા રાજકીય પરિવર્તનની શરૂઆત છે.
કેમ બદલાઈ 60 વર્ષ જૂની રાજનીતિ?
તમિલનાડુમાં 1967 પછી દ્રવિડ રાજનીતિનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે જનતામાં પરિવર્તનની ઈચ્છા સ્પષ્ટ દેખાઈ. સતત એક જેવી રાજનીતિ, ભ્રષ્ટાચારના આરોપો અને શાસન પ્રત્યેના અસંતોષે મતદારોને નવા વિકલ્પ તરફ વાળ્યા. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને તેમની પાર્ટીએ ચૂંટણીમાં હિન્દી વિરોધ અને દ્રવિડ ઓળખને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. પરંતુ આ રણનીતિ આ વખતે કામ ન આવી, ખાસ કરીને શહેરી અને યુવા મતદારોએ રોજગાર, શિક્ષણ અને બહેતર શાસન (ગવર્નન્સ) જેવા મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું.
યુવા, મહિલા અને પ્રથમ વખતના મતદારોએ બદલી રમત
આ ચૂંટણીમાં સૌથી મોટી ભૂમિકા યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરનારાઓની માનવામાં આવી રહી છે. તમિલનાડુની વધતી જતી વસ્તી યુવા છે અને તેમણે પરંપરાગત રાજનીતિથી હટીને નવા ચહેરાઓને તક આપી. તો બીજી તરફ મહિલાઓનું સમર્થન પણ વિજયની તરફેણમાં ગયું. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને સામાજિક મુદ્દાઓને લઈને બનેલી ધારણાએ પણ સત્તા વિરોધી લહેરને મજબૂત કરી.
એકલા હાથે લડી લડાઈ
વિજયે ચૂંટણીમાં કોઈ મોટા ગઠબંધનથી અંતર રાખ્યું અને એકલા મેદાનમાં ઉતર્યા. આ નિર્ણય તેમના માટે ફાયદાકારક સાબિત થયો, તેમણે પોતાની જાતને એક સ્વચ્છ અને વૈકલ્પિક નેતા તરીકે રજૂ કરી, જેનાથી મતદારોમાં વિશ્વાસ વધ્યો. 234 બેઠકોવાળી વિધાનસભામાં તેમની પાર્ટી 100 થી વધુ બેઠકો પર આગળ વધતી જોવા મળી, જે કોઈ પણ નવા પક્ષ માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
જૂના સિતારાઓથી વિજયે શું અલગ કર્યું?
તમિલનાડુની રાજનીતિમાં ફિલ્મી સિતારાઓનો ઈતિહાસ રહ્યો છે. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા જેવા નેતાઓ સફળ રહ્યા, પરંતુ રજનીકાંત અને કમલ હાસનને તેવી સફળતા મળી નહીં. વિજયે આ માટે અલગ રસ્તો અપનાવ્યો, તેમણે રાજનીતિમાં અચાનક એન્ટ્રી ન લીધી પરંતુ વર્ષોથી પોતાના ફેન ક્લબને સામાજિક કાર્યોમાં જોડ્યા. આનાથી તેમને પહેલેથી જ તૈયાર કેડર મળ્યું અને જમીની પકડ મજબૂત થઈ.
થલપતિને કયા મુદ્દાઓએ જીત અપાવી?
વિજયની પાર્ટીએ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને પરિવર્તનને મુખ્ય મુદ્દો બનાવ્યો. આ સાથે તેમણે તમિલ ગૌરવની વાત પણ કરી, પરંતુ તેને વિકાસ સાથે જોડી. તેમણે જાતિ આધારિત રાજનીતિથી અંતર જાળવ્યું અને પોતાની જાતને એક સર્વસમાવેશક નેતા તરીકે રજૂ કરી. આ રણનીતિ તે મતદારોને પસંદ આવી જેઓ લાંબા સમયથી વિભાજનકારી રાજનીતિથી કંટાળી ગયા હતા. આ ઉપરાંત આ ચૂંટણીમાં પરંપરાગત પ્રચારને બદલે સોશિયલ મીડિયા અને યુવા સમર્થકોની મોટી ભૂમિકા રહી. વિજયે પોતે એજન્ડા સેટ કર્યો અને બાકીની પાર્ટીઓ તે મુજબ પ્રતિક્રિયા આપતી જોવા મળી. તેમના સમર્થકો ખાસ કરીને 'જેન ઝી' (Gen Z) એ ઓનલાઇન અને ગ્રાઉન્ડ બંને સ્તરે એવું વાતાવરણ બનાવ્યું, જેણે ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કર્યા.
આ પણ વાંચો- Thalapathy Vijay : મસ્જિદમાં નમાજ અને મંદિરમાં પ્રાર્થના, માતા હિન્દુ અને પિતા ખ્રિસ્તી...કયા ધર્મને માને છે થલાપતિ?