ભારત આજે 15 ઓગસ્ટના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આજે આખું વિશ્વ ભારત સામે એક આશા ભરી નજરે જોઈ રહ્યું છે ત્યારે આજના પાવન પર્વ પર દેશભરના એક્સપ્રેસવે અને હાઇવે પર મુસાફરીને સરળ બનાવવા માટે આજે FASTag વાર્ષિક પાસ શરૂ કરવામાં આવી છે. આ લેખમાં તમે FASTag કયા પ્રકારના વાહનો પર લાગુ થશે, કયા પ્રકારનો ફાસ્ટેગ સક્રિય થશે, કઈ પરિસ્થિતિઓમાં તે નિષ્ક્રિય કરવામાં આવશે વગેરે વિશેની સંપૂર્ણ પ્રક્રિયા જાણશો.
1- કેટલો ખર્ચ કરવો પડશે?
ભારત સરકારના વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, FASTagનો ઉપયોગ કરનાર વ્યક્તિએ વાર્ષિક પાસ માટે 3,000 રૂપિયા ચૂકવવા પડશે. વાર્ષિક પાસની કિંમત ચુકવ્યા પછી વપરાશકર્તાને આ પાસ આખા વર્ષ માટે અથવા ફક્ત 200 ટ્રિપ્સ માટે માન્ય રહેશે. બંને માંથી જે પણ શરત પહેલા પૂરી થાય એ મુજબ, પછી ભલે આ સમયગાળો પૂરો થઈ ગયો હોય કે વપરાશકર્તા 200 ટ્રિપ્સ પૂર્ણ કરે, તે પછી પાસને નિષ્ક્રિય માનવામાં આવશે.
2- કયા રસ્તાઓ પર તે લાગુ થશે?
FASTag વાર્ષિક પાસની મુસાફરી અંગેની પણ થોડી શરતો અને નિયમો છે. આ વાર્ષિક પાસ દરેક રસ્તા પર વાપરી શકાશે નહીં. વાહન વ્યવહાર મંત્રાલયનું કહેવું છે કે આ પાસ ફક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે એટલે કે NE પર જ લાગુ થશે. આ વાર્ષિક પાસ રાજ્ય સરકાર દ્વારા સંચાલીત એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગ અને તેમના ટોલ પ્લાઝા અથવા પાર્કિંગ સ્થળો પર કામ કરશે નહીં. રાજ્ય સરકાર દ્વારા સંચાલીત અને અધિનિયમમાં આવતા માર્ગ પર જરૂર હોય ત્યાં ફાસ્ટેગમાંથી પૈસા કાપવામાં આવશે. તેથી તમારા ફાસ્ટેગને રિચાર્જ કરાવો જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
3- કયા પ્રકારના વાહનોને વાર્ષિક પાસ મળશે?
વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત ખાનગી કાર, જીપ અથવા વાન શ્રેણીના બિન-વાણિજ્યિક વાહનોને તેમના ડેટાબેઝ મુજબ ચકાસ્યા બાદ આપવામાં આવશે. ખાસ યાદ રહે કે આ યાદીમાં ટેક્સી-કેબ, ટ્રક, મીની-ટ્રક અથવા બસ જેવા વાણિજ્યિક વાહનો FASTag વાર્ષિક પાસની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યાક છે. ટૂંકમાં ખાનગી વાહન માલિકોને જ આ પાસનો લાભ મળશે.
4- તમે પાસ કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકો છો?
FASTag વાર્ષિક પાસની ખરીદી અંગે પણ મુસાફરોને ખૂબ સવાલ થઈ રહ્યા હતા કેમકે પહેલા FASTag પાસ કોઈ પણ સરકાર માન્ય ટોલ પ્લાઝા પાસેથી સરળતાથી મેળવી શકાતો હતો પરંતુ હવે ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ની સત્તાવાર વેબસાઇટ અથવા રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ ઑનલાઇન ખરીદી અથવા સક્રિય કરી શકાય છે. મંત્રાલયે સ્પષ્ટપણે મુસાફરોને સૂચના આપી છે કે તમારી સુરક્ષા માટે કોઈપણ અન્ય વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા વાર્ષિક પાસ ખરીદવાની ભૂલ ન કરો, તે છેતરપિંડી હોઈ શકે છે.
5- FASTag વાર્ષિક પાસ કેવી રીતે સક્રિય થશે?
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ની સત્તાવાર વેબસાઇટ અથવા રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઑનલાઇન FASTag વાર્ષિક પાસ ખરીદ્યા પછી સૌથી પહેલો સવાલ થાય કે આ પાસને સક્રિય કેવી રીતે કરવો? તો એના માટે વપરાશકર્તાએ NHAI વેબસાઇટ અથવા હાઇવે યાત્રા એપ્લિકેશનની મુલાકાત લઈને માત્ર 3 સરળ સ્ટેપથી આ FASTag વાર્ષિક પાસ સક્રિય કરી શકે છે એપ્લિકેશન પર આપેલ "વાર્ષિક ટોલ પાસ" ટેબ પર ક્લિક કરો, અને સક્રિય બટન દબાવો. આગળના પગલામાં, વાહનનો નોંધણી નંબર દાખલ કરો, પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો અને ત્રીજા પગલામાં ચુકવણી કરીને પ્રક્રિયા પૂર્ણ કરો. ચુકવણી કર્યા પછી, પાસ સક્રિય કરવાની પ્રક્રિયા શરૂ થશે. સામાન્ય રીતે, 2 કલાકની અંદર, વાર્ષિક પાસ ઉક્ત FASTag પર સક્રિય થઈ જશે.
6- શું નવો FASTag ખરીદવો પડશે?
હવે ઘણા વપરાશકર્તાને એ પણ સવાલ થાય કે તેમની પાસે જે જૂનો FASTag છે એ હવે કોઈ કામનો નહીં રહે? તો એવું જરાય નથી વપરાશકર્તાને વાર્ષિક પાસ સક્રિય કરવા માટે નવો FASTag ખરીદવાની જરૂર નથી વાર્ષિક પાસ તમારા હાલના FASTag પર પણ એકદમ સરળતાથી સક્રિય થશે, જો તેFASTagના ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે તો જેમ કે, FASTag વાહનના વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું છે, માન્ય વાહન નોંધણી નંબર સાથે જોડાયેલ છે અને બ્લેકલિસ્ટેડ નથી. જો આટલું શક્ય બને છે તો નવો FASTag ખરીદવાની જરૂર નહીં પડે.
7- શું વાર્ષિક પાસ ટ્રાન્સફર કરી શકાય છે?
હવે અહિયાં વાહન ચાલકોને એ પણ વિચાર આવે કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહન માટે ઓનલાઈન પ્રક્રિયા કરીને ટ્રાન્સફર કરી શકાય કે કેમ? તો એનો જવાબ છે ના વાર્ષિક પાસ કોઈપણ સંજોગોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. તે ફક્ત તે વાહન માટે માન્ય રહેશે જેના પર FASTag ઇન્સ્ટોલ અને રજીસ્ટર થયેલ છે. જો વપરાશકર્તા અન્ય કોઈ વાહન પર જૂનો FASTag વાર્ષિક પાસ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો તે પાસ આપમેળે નિષ્ક્રિય થઈ જશે.
8- શું ચેસીસ નંબર સાથે રજીસ્ટર થયેલ FASTag પર ઉપલબ્ધ હશે?
FASTag વપરાશકર્તાઓને એ પણ સવાલ થતો હોય છે કે શું વાહના ચેસીસ નંબર સાથે FASTagને લિંક કરીને તેનો ઉપયોગ કરી શકાય છે? તો એનો જવાબ છે ના વપરાશકર્તાએ તેમના FASTagને વાહન રજિસ્ટર્ડ નંબર પર અપડેટ કરવું ફરજિયાત રહેશે. આ પાસ તે FASTags પર સક્રિય થશે નહીં જે ફક્ત ચેસીસ નંબર પર રજીસ્ટર થયેલ છે.
9- વાર્ષિક પાસ માટે ટ્રિપ્સ કેવી રીતે ગણવામાં આવશે?
FASTag વાર્ષિક પાસની જાહેરાત બાદ વપરાશકર્તાઓને સૌથી મુંજવતો સવાલ એ રહ્યો છે કે વાર્ષિક પાસ માટે ટ્રિપ્સ કેવી રીતે ગણવામાં આવશે? તો વાહન વ્યવહાર મંત્રાલય અનુસાર, પોઈન્ટ-આધારિત ટોલ પ્લાઝાના દરેક એક-માર્ગી ક્રોસિંગને એક જ ટ્રિપ ગણવામાં આવશે. એટલે કે, જો રાઉન્ડ ટ્રિપ (આવવા-જવા) કરવામાં આવે છે, તો તેને 2 ટ્રિપ ગણવામાં આવશે. બીજી બાજુ, બંધ ટોલ પ્લાઝાને ક્રોસ કરવાના કિસ્સામાં, પ્રવેશ અને બહાર નીકળવા બંનેને એક જ ટ્રિપ એટલે કે 1 ટ્રિપ ગણવામાં આવશે.
10- શું FASTag વોલેટમાં હાજર રકમમાંથી પાસ ખરીદી શકાય છે?
આ લેખનાં અંતમાં સૌથી મહત્વનો સવાલ કે શું FASTag વાર્ષિક પાસ પહેલાના પાસની જેમ FASTag વોલેટમાંથી જેમ રકમનો ઉપયોગ થતો હતો એવી રીતે એ રકમમાંથી નવો પાસ ખરીદી શકાય છે? તો એનો જવાબ છે ના વાર્ષિક પાસ ખરીદવા માટે, તમારે હાઇવે યાત્રા મોબાઇલ એપ્લિકેશન અથવા NHAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા 3,000 રૂપિયાની સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. તે પછી જ પાસ સક્રિય થશે.













