અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજ દિવસે એટલે કે 15 ઓગસ્ટે અલાસ્કામાં યુક્રેન સંઘર્ષને લઈને એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ બેઠક પહેલા ટ્રમ્પે કહ્યું છે કે ભારત પર લાગેલા ટેરિફને કારણે રશિયન રાષ્ટ્રપતિને મળવા માટે અસરકારક રીતે દબાણ આવ્યું હતું.
ફોક્સ ન્યુઝ રેડિયોના એક શોમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દરેક પગલાની કોઈને કોઈ અસર હોય છે. ભારત પર લગાવેલા વધારાના ટેરિફના કારણે તેને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાથી રોકી દીધું. રશિયા એક મોટું ક્રૂડ ઑઇલ ઉત્પાદન કરતું દેશ છે અને તેનું બીજું સૌથી મોટું બજાર છે ભારત.જ્યારે તમે તમારું બીજું સૌથી મોટો ગ્રાહક ગુમાવી દો અને પહેલું પણ ગુમાવાનાં કાગાર પર હોય તો એની અસર જરૂર પડે છે.
અલાસ્કા બેઠક અને યુક્રેનમાં શાંતિ પ્રયાસ
ટ્રમ્પ અને પુતિન વચ્ચે થનારી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે આ બેઠકથી યુદ્ધવિરામ થશે કે વિશ્વયુદ્ધ ઊભું થશે એ નક્કી થઈ શકે છે. મુલાકાત પહેલા જ યુક્રેન અને રશિયા વચ્ચે ભારે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. રશિયાએ યુક્રેનની એક મિસાઇલ ફેક્ટરી પર હવાઈ હુમલો કરીને તેને નષ્ટ કરી દીધી છે. આ ફેક્ટરી જર્મનીની મદદથી મધ્યમ અંતરની મિસાઇલ બનાવતી હતી. યુક્રેનનો દાવો છે કે રશિયાએ ડ્રોન વડે અનેક શહેરો પર હુમલાઓ કર્યા છે. જેના કારણે સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. આ તણાવ વચ્ચે ટ્રમ્પે ચેતાવણી આપી છે કે જો રશિયા યુદ્ધ વિરામ માટે તૈયાપ નહી થાય તો દરેકને ખરાબ પરિણામ ભોગવવા પડશે. આ મુલાકાત યુક્રેન-રશિયા સંઘર્ષમાં શાંતિ લાવશે કે વધારશે. એ જોવાનું બાકી છે. બંને દેશો વચ્ચે હવાઇ હુમલા શાંતિ બેઠકમાં બાધા બની શકે છે.
વિશ્વયુદ્ધનો ખતરો કે શાંતિની આશા?
આગામી 24 કલાક વિશ્વ શાંતિ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. જો આ બેઠક નિષ્ફળ જાય છે. તો યુક્રેન ઉપરાંત યુરોપ સુધી રશિયાની મિસાઇલનો કહેર વધી શકે છે. જેના કારણે મહાયુદ્ધનો ખતરો ઊભો થઈ શકે છે. પુતિને યુદ્ધવિરામ માટે પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે. જેમાં યુક્રેનના કબજાવાળી જમીન છોડવાનો ઇનકાર પણ સમાવિષ્ટ છે.