શું તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષના બાકીના મહિનાઓ 30 કે 31 દિવસના હોય છે, તો ફેબ્રુઆરી સાથે જ કેમ અન્યાય થયો? માત્ર 28 દિવસ (અને લીપ વર્ષમાં 29) ધરાવતા આ મહિના પાછળ વિજ્ઞાન કરતાં રોમન ઇતિહાસ અને કેટલીક પ્રાચીન માન્યતાઓ વધુ જવાબદાર છે.


શરૂઆતમાં વર્ષમાં માત્ર 10 જ મહિના હતા

પ્રાચીન રોમન કેલેન્ડર અત્યારના કેલેન્ડર કરતાં ઘણું અલગ હતું. મૂળ રોમન કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હતું અને તેમાં વર્ષની શરૂઆત માર્ચ મહિનાથી થતી હતી અને તે ડિસેમ્બરમાં પૂર્ણ થતું હતું. આશ્ચર્યની વાત એ છે કે ત્યારે વર્ષમાં માત્ર 10 મહિના અને 304 દિવસો હતા. શિયાળાના સમયગાળાને ખેતી કે યુદ્ધ માટે નકામો ગણીને તેની ગણતરી જ કરવામાં આવતી નહોતી.

નુમા પોમ્પિલિયસનો સુધારો અને 'અશુભ' અંકોનો ડર

ઈસવીસન પૂર્વે ૭૧૩માં રોમન સમ્રાટ નુમા પોમ્પિલિયસે કેલેન્ડરને વધુ સચોટ બનાવવા માટે વર્ષના અંતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના ઉમેર્યા. તે સમયે રોમનોમાં એવી અંધશ્રદ્ધા હતી કે 'બેકી સંખ્યા' (Even Numbers) અશુભ હોય છે. તેથી નુમાએ દરેક મહિનામાં 29 કે 31 દિવસ રાખવાનો પ્રયાસ કર્યો.

ફેબ્રુઆરીનો અશુભ મહિનો ગણીને 28 દિવસ રાખ્યા

પરંતુ, વર્ષના કુલ 355 દિવસો પૂરા કરવા માટે કોઈ એક મહિનામાં બેકી સંખ્યા રાખવી અનિવાર્ય હતી. તે સમયે ફેબ્રુઆરી વર્ષનો છેલ્લો મહિનો હતો. રોમનો ફેબ્રુઆરીને શુદ્ધિકરણ અને મૃતકોની પૂજાનો મહિનો માનતા હતા. આથી, તેને અશુભ ગણીને તેમાં 28 દિવસ રાખવામાં આવ્યા. આમ, ફેબ્રુઆરી ભાગ્યશાળી મહિનાઓની યાદીમાંથી બહાર રહી ગયો.

જુલિયસ સીઝર અને લિપ વર્ષની શરૂઆત

સમય જતાં આ ચંદ્ર કેલેન્ડર ઋતુઓ સાથે મેળ ખાતું નહોતું. આથી જુલિયસ સીઝરે ખગોળશાસ્ત્રીઓની મદદથી કેલેન્ડરને સૂર્ય આધારિત બનાવ્યું, જેને 'જુલિયન કેલેન્ડર' કહેવામાં આવે છે. તેમણે વર્ષના દિવસો વધારીને ૩૬૫ કર્યા. જોકે, તેમણે પણ ફેબ્રુઆરીના ૨૮ દિવસોમાં કોઈ ફેરફાર કર્યો નહીં, પરંતુ દર ચાર વર્ષે એક વધારાનો દિવસ (લીપ યર) ઉમેરવાનો નિયમ બનાવ્યો.

આધુનિક ગ્રેગોરિયન કેલેન્ડર

૧૫૮૨માં પોપ ગ્રેગરી XIII એ જુલિયન કેલેન્ડરમાં રહેલી નાની ખામીઓને સુધારીને 'ગ્રેગોરિયન કેલેન્ડર' અમલમાં મૂક્યું. આજે સમગ્ર વિશ્વ આ કેલેન્ડરને અનુસરે છે. ફેબ્રુઆરીનો 28 દિવસનો ગાળો એ પ્રાચીન રોમન ઇતિહાસ, તેમની ધાર્મિક વિધિઓ અને સંખ્યાઓ પ્રત્યેના તેમના પૂર્વગ્રહનું પરિણામ છે. આમ, ફેબ્રુઆરીની ટૂંકી લંબાઈ પાછળ કોઈ ભૌગોલિક કારણ નથી, પરંતુ માનવીય ઇતિહાસના રસપ્રદ વળાંકો છે.

આ પણ વાંચોઃ Ayushman Card : શું આયુષ્માન કાર્ડથી વર્ષમાં ગમે તેટલી વાર કરાવી શકીએ છે સારવાર! જાણો શું છે તેના નિયમો?


  • Follow us on: