દુબઈ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે જાહેરાત કરી છે કે ગ્લોબલ પાસપોર્ટ સેવા કાર્યક્રમ (GPSP-2.0) 28 ઓક્ટોબર 2025થી તમામ પાસપોર્ટ સેવાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે. આ નવું પગલું પહેલાથી વધુ આધુનિક અને ડિજિટલ સુવિધાઓવાળુ છે. આવો જાણીએ તેની વિશેષતાઓ. જેમાં યુએઈમાં રહેતા ભારતીયો હવે ચિપ વાળા ઇ-પાસપોર્ટ માટે અરજી કરી શકશે. 


ઈ-પાસપોર્ટમાં હશે એમ્બેડેડ ચિપ

નવી સિસ્ટમ અંતર્ગત ભારતીય નાગરિકોને હવે ઈ-પાસપોર્ટ આપવામાં આવશે. આ પાસપોર્ટ્સમાં એક એમ્બેડેડ ચિપ હશે. જેમાં પાસપોર્ટધારકની માહિતી ડિજિટલી સુરક્ષિત રહેશે. તેનાથી ઈમિગ્રેશન પોઈન્ટ્સ પર વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપી અને સરળ બની જશે.

ઓટોફીલ ઓપ્શનથી સરળ બનશે અરજી

ખલીઝ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે નવી સિસ્ટમમાં ઓટોફીલ ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જે લોકો પાસપોર્ટ રિન્યુ કરાવવા માગે છે, તેઓ માત્ર તેમનો જુનો પાસપોર્ટ નંબર નાંખશે એટલે બાકીની વિગતો સિસ્ટમ તેની જાતે જ ભરી દેશે. આખી પ્રોસેસમાં માત્ર 2 મિનિટ જ લાગશે.

ઓનલાઈન ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરવાની સુવિધા

GPSP-2.0 દ્વારા હવે અરજીકર્તા પોતાનો ફોટો, સિગ્નેચર અને જરૂરી દસ્તાવેજ સીધા પાસપોર્ટ સેવા પોર્ટલ પર અપલોડ કરી શકશે. આ ફોટો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના માપદંડ અનુસાર હોવો જોઈએ. દૂતાવાસે એ સૂચન પણ આપ્યું છે કે દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરો જેથી BLS ઈન્ટરનેશનલ સેન્ટર પર વેઈટિંગ ટાઈમ ઓછો થઈ જાય.

હવે સુધારા માટે નહીં ચૂકવવી પડે વધારાની ફી

નવી સિસ્ટમમાં જો અરજીમાં કોઈ નાની ભૂલ રહી જાય તો હવે ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી. BLS ઈન્ટરનેશનલ પોતાની રીતે ભૂલોને સુધારી શકશે, અને તેના માટે કોઈ વધારાની ફી નહીં ચૂકવવી પડે. સેવા ચાર્જ અને પાસપોર્ટ મળવાનો સમય પહેલા જેટલો જ રહેશે.

પાસપોર્ટનું નવું રુપ અને નંબર

નવા ઈ-પાસપોર્ટમાં હવે બે અક્ષર અને નંબર હશે, સાથે જ તેમાં સોનેરી રંગના RFID પ્રતિક પણ દેખાશે. જે લોકો પાસે જૂના પાસપોર્ટ છે, તેમણે હાલ બદલવાની જરૂર નથી. તે એક્સપાયરી ડેટ સુધી માન્ય રહેશે.

UAEમાં મોટી સંખ્યામાં છે ભારતીયો

UAEમાં ભારતીય સમુદાય સૌથી મોટો પ્રવાસી સમૂહ છે, જે દેશની કુલ સંખ્યામાં લગભગ 35% નો હિસ્સો ધરાવે છે. ભારતીય દૂતાવાસ અનુસાર UAEમાં લગભગ 43 લાખ ભારતીય નાગરીક વસે છે. જેમાંથી મોટાભાગના નોકરિયાત છે. જ્યારે લગભગ 10 ટકા તેમના આશ્રિત પરિવારજનો છે. UAEમાં ભારતના કેરળ રાજ્યના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. ત્યારબાદ તામિલનાડું, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકો વસે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ જવા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યમાં ભારતીયો ત્યાં વસે છે.

પાસપોર્ટ પ્રક્રિયામાં ડિજિટલ ક્રાંતિ

GPSP-2.0 ની શરૂઆતની સાથે જ ભારતીય મિશનનું લક્ષ્ય છે કે પાસપોર્ટ પ્રક્રિયા ઝડપી, પારદર્શી અને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવવામાં આવે. જેથી પ્રવાસી ભારતીયો માટે હવે દસ્તાવેજી કામ પહેલાથી વધુ સરળ અને સુવિધાજનક બની શકે.


  • Follow us on: