- કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી
- દેશના 42.05 કરોડ લોકોએ જન ધન ખાતા ખોલાવ્યા છે
- આ ખાતાઓમાં 141,592.44 કરોડ રૂપિયાનું બેલેન્સ છે
કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2014માં પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજના PMJDYના નામથી દેશમાં લોકપ્રિય છે. આ યોજના દેશના દરેક પરિવારને બેંકિંગ, વીમા અને પેન્શન સેવાઓ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. 2018માં આ યોજનાને વધુ વ્યાપક બનાવીને, સરકારે દેશના દરેક પુખ્ત વયના લોકોને બેંકિંગ અને અન્ય સેવાઓ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. PMJDY વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 28 માર્ચ સુધી દેશના 42.05 કરોડ લોકોએ જન ધન ખાતા ખોલાવ્યા છે. આ ખાતાઓમાં 141,592.44 કરોડ રૂપિયાનું બેલેન્સ છે.
ખાતું ખોલવાની પ્રક્રિયા શું છે?
આ યોજના હેઠળ, દેશનો કોઈપણ નાગરિક જે હજુ સુધી બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલ નથી તે પોતાનું ખાતું ખોલાવી શકે છે. PMJDY ખાતું કોઈપણ બેંક શાખા અથવા બેંક મિત્ર દ્વારા ખોલી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ આ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવી શકે છે. તમે આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, NREGA જોબ કાર્ડ, પાસપોર્ટ અને PAN જેવા દસ્તાવેજો સાથે ખાતું ખોલાવી શકો છો.
આ યોજનાના લાભો
- PMJDY ખાતું ખોલાવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
- પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં કોઈ લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર નથી.
- આ ખાતામાં જમા રકમ પર વ્યાજ મળે છે.
- આ યોજના હેઠળ, ખાતું ખોલાવનાર ખાતાધારકને RuPay ડેબિટ કાર્ડ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ, અગાઉ એકાઉન્ટ ખોલવા પર મળતા RuPay કાર્ડ પર 1 લાખ રૂપિયાનું આકસ્મિક વિમા કવર ઉપલબ્ધ હતું. જો કે, 28 ફેબ્રુઆરી 2018 પછી ખોલવામાં આવેલા ખાતાઓ પર ઉપલબ્ધ RuPay કાર્ડ્સ રૂ. 2 લાખ સુધીનું આકસ્મિક વીમા કવચ પ્રદાન કરે છે.
- જેઓ PMJDY હેઠળ ખાતું ખોલે છે તેમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે.
- તે જ સમયે, 2,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા માટે કોઈપણ પ્રકારની શરત નથી.
- PMJDY ખાતાધારકોને પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY) અને મુદ્રા યોજનાઓના લાભ સીધા ખાતામાં મળે છે.